
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફીની જાહેરાતના થોડા દિવસ પહેલા જ આવ્યો છે. પરંતુ તે T20I ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા માર્કસ સ્ટોઇનિસે તાત્કાલિક અસરથી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. આ નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફીની જાહેરાતના થોડા દિવસ પહેલા જ આવ્યો છે. પરંતુ તે T20I ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.
સ્ટોઇનિસે આશ્ચર્યચકિત કર્યા
આ મહિનાના અંતમાં પાકિસ્તાન અને યુએઈમાં શરૂ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં સ્ટોઈનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હવે 12 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થનારી અંતિમ ટીમમાં તેના માટે કોઈ વિકલ્પ શોધવો પડશે. ૩૫ વર્ષીય ઓલરાઉન્ડર દક્ષિણ આફ્રિકાની SA20 લીગમાં ડર્બન સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે, જ્યાં થોડા સમય પહેલા બોલિંગ કરતી વખતે તેને હેમસ્ટ્રિંગમાં નાની ઈજા થઈ હતી.
અચાનક નિવૃત્તિ કેમ લીધી?
પોતાની નિવૃત્તિ મુદ્દે સ્ટોઇનિસે કહ્યું, 'ઓસ્ટ્રેલિયા માટે વન ડે ક્રિકેટ રમવું એ એક અદ્ભુત સફર રહી છે અને હું દરેક સુવર્ણપળ માટે આભારી છું. આંતરરાષ્ટ્રીય મંચ પર મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મને હંમેશા યાદ રહેશે. આ નિર્ણય સરળ નહોતો, પણ મારું માનવું છે કે વનડે ક્રિકેટથી દૂર રહેવાનો અને મારી કારકિર્દીના આગામી પ્રકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે.
સ્ટોઇનિસ ગ્રીક વંશનો ઓસ્ટ્રેલિયન છે, તેનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૮૯ના રોજ પર્થમાં થયો હતો. તેણે અંડર-૧૭ અને અંડર-૧૯ બંને સ્તરે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું. સ્ટોઇનિસ 2008ના ICC અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન અંડર-19 ક્રિકેટ ટીમ તરફથી રમ્યો હતો. પછી હોંગકોંગ સિક્સીસમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે જૂન 2024 સુધી 70 ODI, 65 T20I, 63 FC અને 122 LA મેચ રમી છે.