
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ખરાબ પર્ફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયા માટે આકરો નિર્ણય લીધો છે. BCCIએ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ સોહમ દેસાઈ અને એક મસાજરની પણ હાંકલપટ્ટી કરવામાં આવી છે. BCCIએ ફિલ્ડિંગ કોચ ટી. દિલિપને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બાદમાં બોર્ડે યૂ-ટર્ન લેતા ટી. દિલિપને ફરીથી ફિલ્ડિંગ કોચ બનાવવાનું નક્કી કર્યું છે.
સિરાજે સોહમ દેસાઈ માટે લાગણી વ્યક્ત કરી
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે સોહમ દેસાઈ માટે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. બોલરે તેમાં લખ્યું હતું, કે, "એવી વ્યક્તિને ગુડબાય કહેવું ક્યારેય સરળ નથી જે ફક્ત કોચ જ નહીં, પણ માર્ગદર્શક, મેન્ટર અને ભાઈ રહ્યા છે. આ અંત નથી, અમે તમને ફરી મળીશું. તમારો પ્રભાવ હંમેશા મારી સાથે રહેશે. ડ્રેસિંગ રૂમમાં, જીમમાં અને દરેક દોડમાં."
https://twitter.com/mdsirajofficial/status/1928835021269270673
સોહમે પણ થયો ભાવુક
સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ સોહમ દેસાઈ 31 મેના રોજ સત્તાવાર રૂપે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફથી અલગ થયો છે. સોહમ દેસાઈ રવિ શાસ્ત્રીના સમયથી ટીમ સાથે જોડાયેલા હતાં. ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી દેસાઈએ ભારતીય ટીમના મેનેજમેન્ટને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ભારતીય ટીમે મેળવેલી અમુક અવિશ્વસનીય ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
સોહમ દેસાઈએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું, "આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરવી સન્માનજનક અને સૌભાગ્યની વાત છે. પહેલા દિવસથી જ મારું લક્ષ્યો સ્પષ્ટ હતા, માનસિક પડકારોને દૂર કરવા, વૈશ્વિક ઉત્કૃષ્ટતા તરફ પ્રયાણ અને પોતાના મૂલ્યો સાથે જોડાઈને રહેવું, ક્યારેય નિષ્ફળતાથી ગભરાવવુ નહીં અને દરેક પરિસ્થિતિમાં પોતાનું યોગદાન આપતા રહેવું."
રવિ શાસ્ત્રી અને કોહલીનો આભાર માન્યો
આગળ લખ્યું કે, "હું રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીનો હંમેશા આભારી રહીશ. જેમણે 29 વર્ષીય યુવકને પોતાના સપનાઓ પૂરા કરવા આંતરરાષ્ટ્રીય મંચ પૂરુ પાડ્યું. રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા માટે મારી પાસે શબ્દો નથી. તેમના સમર્થન, અને વિશ્વાસના સહારે મારા પ્રવાસને આકાર મળ્યો છે. તેમનો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો છે." વધુમાં સોહમે ફિઝિયો, સ્પોર્ટસ થેરાપિસ્ટ, ઓપરેશન ટીમ અને ટીમ ડોક્ટરનો પણ આભાર માન્યો હતો.
સોહમ દેસાઈએ ભારતીય ટીમ પહેલા ગુજરાતની રણજી ટીમની ફિટનેસ પર પણ કામ કર્યું હતું. સોહમની પોતાની ફિટનેસ અદ્ભુત છે. તે જીમમાં ખેલાડીઓની સાથે પોતાના પર પણ સખત મહેનત કરે છે. દેસાઈને સ્વિમિંગ અને ટ્રેકિંગનો ખૂબ શોખ છે. BCCI એ હજુ સુધી આગામી સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચની જાહેરાત નથી કરી, પરંતુ એવી અપેક્ષા છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા નિમણૂક કરવામાં આવશે. ભારતીય ટીમ થોડા દિવસોમાં પાંચ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ રવાના થશે.