
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઇ લીધો છે.રોહિત-કોહલી બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સંન્યાસની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ઉડી હતી. જોકે,આ અફવા પર ક્રિકેટર મોહમ્મદ શમીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
શમીએ સંન્યાસની અફવા ફગાવી
મોહમ્મદ શમીએ ઇંસ્ટાગ્રામ પર એક રિપોર્ટનો સ્ક્રિનશોટ શેર કરતા લખ્યુ, 'ઘણુ સારૂ મહારાજ, તમારા દિવસો પણ ગણી લો કે રિટાયરમેન્ટમાં કેટલો સમય બાકી છે. બાદમાં અમારૂ જોઇ લેજો.'
મોહમ્મદ શમીએ લખ્યુ, 'તમારા જેવા લોકોએ ભવિષ્યનો સત્યાનાશ કરી દીધો, ક્યારેક તો સારૂ બોલો. આજની સૌથી ખરાબ સ્ટોરી.સોરી.'
શું શમીને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં મળશે તક?
હવે જોવાનું રહ્યું કે મોહમ્મદ શમીને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળે છે કે નથી મળતી.
શમીનું IPLમાં કેવું છે પ્રદર્શન
શમી અત્યારે IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમી રહ્યો છે. જોકે, તેનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. શમીએ IPL 2025માં અત્યાર સુધી 9 મેચમાં 56.16ની એવરેજ અને 11.23ના ખરાબ ઇકોનોમી રેટથી માત્ર 6 વિકેટ ઝડપી છે. શમીની લેન્થ અને લાઇન બગડતી જોવા મલી છે જેને કારણે તે મોંઘો સાબિત થયો છે.
મોહમ્મદ શમીની ક્રિકેટ કરિયર
મોહમ્મદ શમીની ક્રિકેટ કરિયરની વાત કરીએ તો 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ ઝડપી છે જ્યારે 108 વન ડે મેચમાં 206 વિકેટ ઝડપી છે. શમીએ 25 ટી-20 મેચમાં 27 વિકેટ ઝડપી છે. શમી ઓસ્ટ્રેલિયા સામે 2023માં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમ્યો હતો.