
લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલર્સ બીજી ઈનિંગમાં 371 રનના ટાર્ગેટને ડિફેન્ડ ન કરી શક્યા. પહેલી ઈનિંગમાં 5 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પણ બીજી ઈનિંગમાં વિકેટ માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.
શમી આ ટેસ્ટમાં ભારતની બોલિંગથી નારાજ
લીડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્રતિક્રિયા સામે આવી છે. શમી આ ટેસ્ટમાં ભારતની બોલિંગથી નારાજ દેખાય છે. લીડ્સ ટેસ્ટ મેચમાં, ભારતીય બોલર્સે બંને ઈનિંગ્સમાં 4.5થી વધુની રન રેટથી રન આપ્યા હતા. ભારતીય બોલર્સમાં, ફક્ત જસપ્રીત બુમરાહ અસરકારક દેખાતો હતો.
ભારતીય બોલર્સે જસપ્રીત બુમરાહ પાસેથી શીખવું જોઈએ: શમી
નારાજગી વ્યક્ત કરતા મોહમ્મદ શમીએ કહ્યું કે, "બાકીના ભારતીય બોલર્સે જસપ્રીત બુમરાહ પાસેથી શીખવું જોઈએ અને મેદાન પર તેને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ. બુમરાહએ પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી, પરંતુ બીજી ઈનિંગમાં ઈંગ્લિશ બોલર્સે આ સ્ટાર બોલર સામે કોઈ જોખમ લીધું ન હતું, જેના કારણે તેઓ કોઈ વિકેટ નહતા મેળવી શક્યા."
બોલિંગમાં થોડી વધુ મહેનત કરવાની જરૂર છે
મોહમ્મદ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "બોલિંગમાં, બાકીના ભારતીય બોલર્સે બુમરાહ સાથે વાત કરવી જોઈએ અને તેની પાસેથી શીખવું જોઈએ. તેમણે તેની સાથે યોજના બનાવવી જોઈએ અને તેને ટેકો આપવો જોઈએ. જો તેઓ બુમરાહને ટેકો આપે છે, તો આપણે સરળતાથી મેચ જીતી શકીએ છીએ. જો હું પહેલી મેચ વિશે વાત કરું, તો મને લાગે છે કે આપણે બોલિંગમાં થોડી વધુ મહેનત કરવાની જરૂર છે."
શમી આ કારણોસર ટેસ્ટ સિરીઝથી બહાર છે
મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ચિફ સિલેક્ટર અજિત અગરકરે ટીમની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે શમી આ સિરીઝ માટે સંપૂર્ણપણે ફિટ નથી. શમીની ગેરહાજરીમાં, લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલીવાર ટેસ્ટ સ્કવોડમાં સ્થાન મળ્યું. અર્શદીપ પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહતો, પરંતુ તે આગામી મેચમાં રમે તેવી શક્યતા છે.