
મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી શિવાલિક શર્માની રાજસ્થાનમાં જોધપુર પોલીસે ધરપકડ કરી છે. જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ ક્રિકેટરને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ક્રિકેટર શિવાલિક શર્મા ઉપર એક છોકરીએ લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. લગ્ન કરવાની આડમાં શારીરિક શોષણ કર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી.
યુવતીએ કુડી પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપીને FIR નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે સગાઈ પછી શિવાલિક શર્માએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ કરાવવા સાથે તેનું નિવેદન પણ નોંધ્યું છે.
પીડિતાએ ફરિયાદમાં શું કહ્યું?
જોધપુર કમિશનરેટના એસીપી આનંદ સિંહે કેસની પુષ્ટિ કરતા કહ્યું કે, પીડિતા કુડી ભગતસુનીના સેક્ટર-2માં રહે છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણીએ કહ્યું છે કે, ફેબ્રુઆરી 2023માં જ્યારે તે ગુજરાત ફરવા ગઈ હતી, ત્યારે તેની વડોદરામાં શિવાલિક સાથે મિત્રતા થઈ હતી. બંનેએ પોતાના મોબાઇલ નંબરની આપ-લે કરી. ધીરે ધીરે બંને મોબાઈલ પર વાત કરવા લાગ્યા. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ. બંનેએ પોતાના પરિવારમાં વાતચીત કરતાં સગાઈની વાત આગળ વધી. ઓગસ્ટ 2023માં શિવાલિકના પરિવારજનો તેના સંબંધીઓને મળ્યો.
બંને પરિવારો લગ્ન માટે સંમત થતા સગાઈ પણ થઈ. સગાઈ બાદ શિવાલિક તેને મળવા જોધપુર આવ્યો હતો. એ સમયે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. ઓગસ્ટ 2024માં શિવાલિકના માતા-પિતાએ એમ કહીને સગાઈ તોડી નાખી કે શિવાલિક હવે રાષ્ટ્રીય ક્રિકેટર બની ગયો છે. તેના માટે મોટા મોટા માગા આવી રહ્યા છે. એટલે હવે શિવાલિક સાથે લગ્ન શક્ય નથી. જ્યારે શિવાલિકે પણ લગ્ન કરવાની ના પાડી તો તેણે શિવાલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
કોણ છે શિવાલિક શર્મા?
શિવાલિક શર્મા 2024થી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે સંકળાયેલો છે. મુંબઈ ઇન્ડિયન્સે શિવાલિકને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો. ગુજરાતના વડોદરાનો રહેવાસી શિવાલિકે 2016માં બિન્નુ અંડર-19 ટ્રોફી ટુર્નામેન્ટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૧૮-૧૯માં રણજી રમ્યો હતો.