
મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના માલિક નીતા અંબાણીએ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સંઘર્ષભર્યા દિવસોથી લઈને પાંચ વખતની IPLમાં ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમના કૅપ્ટન બનવા સુધીની સફરને યાદ કરી છે. એક દાયકા પહેલા હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથેની પહેલી મુલાકાત અંગે નીતા અંબાણીએ એક ભાવુક સ્ટોરી શેર કરી છે.
કઈ રીતે નીતા અંબાણીએ પંડ્યા બ્રધર્સની શોધ કરી
નીતા અંબાણીએ કહ્યું હતું કે, 'IPLમાં અમારા બધા પાસે એક નિશ્ચિત બજેટ હોય છે. જેના કારણે દરેક ટીમ એક નિશ્ચિત રકમ જ ખર્ચ કરી શકે છે. અમારે પ્રતિભાઓને બહાર લાવવા માટે નવા રસ્તાઓ શોધવાના હતા. મને યાદ છે કે પ્રતિભાની શોધમાં હું પ્રત્યેક રણજી મેચ જોવા જતી હતી. ત્યારે એક દિવસે અમારા સ્કાઉટ્સ બે યુવાન છોકરાઓને લઈને અમારા કેમ્પમાં આવ્યા હતા તેઓ ખૂબ દુબળા પાતળા હતા.'
હાર્દિક અને ક્રુણાલે 3 વર્ષ સુધી મેગી ખાઈને દિવસો કાઢ્યા
પંડ્યા બ્રધર્સએ ક્રિકેટમાં પોતાનું સ્થાન મેળવ્યું તે પહેલા તેમના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, 'હું તેની સાથે વાત કરી રહી હતી ત્યારે તેમણે કહ્યું કે ત્રણ વર્ષ સુધી અમે મેગી સિવાય બીજું કંઈ ખાધું નથી કારણ કે તેની પાસે પૈસા નહોતા. પણ મેં તેનામાં કંઈક મોટું કરવાનું ઝનૂન અને ભૂખ જોઈ. તે બે ભાઈઓ હાર્દિક અને કૃણાલ પંડ્યા હતા. વર્ષ 2015માં મેં હાર્દિક પંડ્યાને ઓક્શનમાં 10,000 યુએસ ડૉલરમાં ટીમમાં સામેલ કર્યો હતો અને આજે તે મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન છે.
https://twitter.com/ANI/status/1891351409406455970
હાલ હાર્દિક ભારતીય ટીમનો મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડર
વર્ષ 2015માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યુ કરનાર હાર્દિકે પછીના વર્ષે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તે હાલ ભારતીય ટીમનો એક મહત્ત્વપૂર્ણ ઓલરાઉન્ડર છે. તે પોતાની આક્રમક બેટિંગ, લીડરશીપ અને સ્કીલને લીધે ક્રિકેટની દુનિયામાં જાણીતો છે.