Home / Sports : Parimal Nathwani re-elected as President of Gujarat State Football Association

પરિમલ નથવાણીની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે પુનઃવરણી

પરિમલ નથવાણીની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે પુનઃવરણી

1 જુલાઈ, 2025 અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ની 47મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંદીપ દેસાઇની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી, જ્યારે અંકિત પટેલની વરણી માનદ્ ખજાનચી તરીકે કરવામાં આવી હતી.

વાર્ષિક સાધારણ સભામાં, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિએશન તથા વ્યક્તિઓને જી.એસ.એફ.એ. એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની તર્જ પર શરૂ કરાયા છે.

"સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જવા મળ્યો જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમની ગહનતા અને અનુશાસનનો પૂરાવો છે," તેમ  જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, “જી.એસ.એફ.એ. અભિનંદનને પાત્ર છે કે 2024-25 દરમિયાન 26 વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ 1168 મેચ રમવામાં આવી અને 6468 ગોલ નોંધાયા. એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે, ગુજરાતમાં કુલ 7400 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4836એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.”

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ સુરતને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ રાજકોટને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. એ.આર.એ. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરાને જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા.

વ્યક્તિગત કેટેગરીમાં ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં પ્રતિક બજાજને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં ફેલસીના મીરાન્ડા અને પુરુષ કેટેગરીમાં સલીમ પઠાણને ફાળે ગયો. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી નાઝબાનુ શેખ અને કિશન સિંહને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં તન્વી માલાણી અને પુરુષ કેટેગરીમાં અમન શાહને અપાયો હતો.

જી.એસ.એફ.એ.ના માનદ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું. બોર્ડના સભ્યો સમક્ષ વાર્ષિક હિસાબો અને બેલેન્સશીટ પણ પ્રસ્તુત કરાઈ હતી. એજીએમમાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચુડાસમાએ જણાવ્યું હતું કે “છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાત ફૂટબોલે રમતના દરેક પાસામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રાસરૂટ સ્તરે વિકાસથી માંડીને સ્પર્ધાત્મક સિધ્ધિઓ સુધી જે સફળતા મળી છે તે સહિયારી છે – જે હોદ્દા કે ભૂમિકાને ધ્યાનમાં લીધા સિવાય એસોસિએશન સાથે સંકળાયેલા તમામની છે.

જી.એસ.એફ.એ. દ્વારા વિવિધ વય જૂથોમાં છોકરા અને છોકરીઓ માટે વિવિધ આંતર-જિલ્લા ટુર્નામેન્ટ્સનું આયોજન કરાયું હતું. આમાં બ્લુ ક્લબ્સ લીગ (બેબી લીગ્સ) નોંધપાત્ર છે, જે 7 અને 12 વર્ષની વચ્ચેના વય જૂથો માટે પાયાની ફૂટબોલ ગેમ છે. તેમાં 20 જિલ્લાના 4,000 કરતા વધારે ફૂટબોલ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટે ગુજરાતમાં ફૂટબોલના ભાવિ માટે ઘણી આશાઓ જગાવી છે.

એ.જી.એમ.માં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ પ્રદીપસિંહ વાઘેલા,  ગુણવંતભાઈ ડેલાવાલા, સંદીપ દેસાઈ અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી અંકિત પટેલ તેમજ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



Related News

Icon