
- Sports ફન્ડા
- કોચના એક જ વર્ષના માર્ગદર્શનને પરિણામે મધુરાએ વર્લ્ડ કપ સ્ટેજ ટુમાં ત્રણ ચંદ્રક જીત્યાં
- મધુરાની તીરંદાજ તરીકેની કારકિર્દીને ધબકતી રાખવા પિતાને સગા-સ્નેહીઓ પાસેથી બબ્બે વખત નાણાં ઉધાર લેવા પડયા
દુનિયા જેને સાવ નકામો ગણતી હોય તેવા લોખંડના ટુકડાને જો પારસમણીનો સ્પર્શ અડી જાય તો તે અમૂલ્ય સુવર્ણમાં ફેરવાઈ જતો હોય છે. તેવી જ રીતે યોગ્ય ગુરુનું માર્ગદર્શન સાવ સામાન્ય લાગતી પ્રતિભાને પણ અસાધારણ ઊંચાઈએ પહોંચાડી દે છે. ગુરુની કૃપા અને શિષ્યનો કઠોર પરિશ્ચમ તેમજ ગુરુ પરનો વિશ્વાસ જ આ ચમત્કારને વાસ્તવિકતામાં મૂર્તિમંત કરવા માટે પુરતો હોય છે. ભારતીય તીરંદાજીમાં પણ આવી જ સફળતા ૨૪ વર્ષની મધુરા ધામનગાંવકરે હાંસલ કરી છે.
મહારાષ્ટ્રના અમરાવતીની ૨૪ વર્ષની મહિલા તીરંદાજ મધુરાએ ચીનના શાંઘાઈમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ ટુમાં જબરજસ્ત દેખાવ કરતાં વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. તેણે મહિલા ટીમ સ્પર્ધામાં રજત અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવી તીરંદાજ અભિષેક વર્માની સાથે કાંસ્ય સફળતા હાંસલ કરી હતી.
મધુરા ભારતીય ટીમની એકમાત્ર એવી ખેલાડી હતી કે, જેણે આટલા બધા ચંદ્રકો શાંઘાઈ વર્લ્ડકપમાં જીત્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, તેની આઠ વર્ષની આંતરરાષ્ટ્રીય તીરંદાજ તરીકેની કારકિર્દીની આ માત્ર ત્રીજી જ સ્પર્ધા હતી, તેમાં પહેલી જ વાર તે ચંદ્રક જીતવામાં સફળ રહી અને તે પણ એક સાથે ત્રણ! મધુરાની સિદ્ધિ ભારતીય તીરંદાજી માટે એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે ત્રણ વર્ષના અંતરાલ બાદ પુનરાગમન કરી રહી હતી. પોતાની કુશળતા અને તકનીક પરનો ભરોસો અને ગુરુનું માર્ગદર્શન તેના માટે આત્મવિશ્વાસનું ઊંજણ બની રહ્યું અને તેના જ સહારે તેણે આ સફળતા હાંસલ કરી બતાવી હતી.
શાંઘાઈ વર્લ્ડ કપ સ્ટેજ ટુ સ્પર્ધામાં વિશ્વની ટોચની હરિફો વચ્ચે પણ તેણે શાનદાર દેખાવ સાતત્યની સાથે જાળવી રાખતાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તીરંદાજીની સ્પર્ધાની સફળતામાં ખેલાડીની સ્વસ્થતા અને એકાગ્રતાની કસોટી તો થાય છે, સાથે સાથે વહેતો પવન પણ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. તમામ વિઘ્નો અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં પણ મધુરાએ તેની ધીરજને ગુમાવી નહતી અને પોતાનો શ્રેષ્ઠ દેખાવ બહાર લાવવા માટે કોશીશ જારી રાખી હતી. જ્યારે કશ્મકશભર્યો મુકાબલો હોય, ત્યારે ખેલાડીએ જીત કે હારનો વિચાર કર્યા વિના સ્પર્ધામાં ટકી જ રહેવું હોય છે અને જે ખેલાડી લાંબો સમય સુધી તનાવને સહન કરતાં ટકી શકે તે જ સફળતાને પ્રાપ્ત થઈ શકે છે.
ભારતીય તીરંદાજે પણ કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલ, સેમિ ફાઈનલ અને ફાઈનલ એમ ત્રણેય નિર્ણાયક મુકાબલા એક-બે પોઈન્ટના અંતરથી જ જીતવામાં સફળતા મેળવી હતી. જે તેની ખેલાડી તરીકે પરિપક્વતાનું તેમજ તકનિકમાં આવેલા સુધારાનું જીવંત પ્રમાણ છે. તેની આ જ સિદ્ધિએ મધુરા તરફથી અપેક્ષાઓને હિમાલયની ટોચ સુધી પહોંચાડી દીધી છે. મધુરાની સફળતાનો શ્રેય તેના ગુરુ પ્રવિણ સાવંતને જેટલો આપીએ તેટલો ઘટે.
મહારાષ્ટ્રમાં સખત મહેનત કરીને પ્રવિણ સાવંતે શરુ કરેલી તીરંદાજીની એકેડમીમાંથી અદિતી સ્વામી અને ઓજસ દેવતળે જેવા વર્લ્ડ ચેમ્પિયન્સ બહાર આવ્યા છે અને મધુરાની સફળતાની રાહ પણ પ્રવિણ સાવંતના માર્ગદર્શનને કારણે જ નવીન ઊંચાઈએ પહોંચી શકી છે. અલબત્ત, મધુરાની સફળતાના પાયામાં તેના માતા-પિતાનો સંઘર્ષ પણ નિર્ણાયક બની રહ્યો છે. આર્થિક મુશ્કેલીઓની વચ્ચે પણ તેઓએ બંને પુત્રીઓના રમતના મેદાનના સ્વપ્નને ઊંચી ઊડાન માટે જરુરી મદદ પુરી પાડી હતી અને તે જ બાબત આજે આખા દેશ માટે ગૌરવનું કારણ બની રહ્યું છે.
અમરાવતીમાં રહેતા ધામનગાવકર પરિવારે હંમેશા તેમની બંને પુત્રીઓ - શલાકા અને મધુરાને રમતના મેદાનના રસ્તે વાળી. શલાકા અને મધુરાના પિતા શૈલેન્દ્ર અને માતા અંજલીએ શલાકાને સ્વિમિંગમાં આગળ વધવા માટે તમામ પ્રકારે સમર્થન આપ્યું. જ્યારે નાનકડી પુત્રી મધુરાને ૧૦ વર્ષની ઉંમરે હનુમાન વ્યાયામ પ્રસારક મંડળમાં તાલીમ માટે મુકવામાં આવી. શરુઆતમાં તેણે ફિટનેસ પર વિશેષ ધ્યાન આપ્યું અને ત્યાર બાદ તેણે પોતાની શાળામાં જ તીરંદાજીની તાલીમ લેવાની શરુ કરી દીધી. શરુઆતમાં જ મધુરાને લાકડાના ધનુષથી જ પ્રેક્ટિસ કરવી પડતી. શરુઆતમાં તેણે પરંપરાગત તીરંદાજીની નજીકના એવી રેક્યુર્વે તીરંદાજી પર ધ્યાન કેન્દ્રીત કર્યું.
રેક્યુર્વે તીરંદાજીમાં પણછને હાથથી છોડવામાં આવે છે. પુત્રીની તીરંદાજ બનવાનું સ્વપ્ન સાકાર કરવા માટે શૈલેન્દ્રએ સગા-સ્નેહીઓ પાસેથી નાણાં ઉછીના લઈને રેક્યુર્વે ઈવેન્ટ માટેનું ખાસ પ્રકારનું ધનુષ્ય જંગી ખર્ચ કરીને વસાવી લીધું. મધુરાએ પાંચ વર્ષ સુધી તે જ ધનુષ્યથી રેક્યુર્વે તીરંદાજીનો અભ્યાસ જારી રાખ્યો. લાંબા સમયના કોચીંગ અને મહેનત બાદ તેને અહેસાસ થયો કે, ઝડપથી આગળ વધવા માટે રેક્યુર્વેના બદલે કમ્પાઉન્ડ તીરંદાજી વધુ સારો વિકલ્પ બની શકે છે. આ કારણે તેણે રેક્યુવે તીરંદાજી છોડીને કમ્પાઉન્ડ તીરંદાજીને અપનાવી. આ તીરંદાજીમાં ખેલાડીએ ધનુષની પણછ એક બટન દબાવીને છોડવાની હોય છે.
મધુરાએ ૧૬ વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો અને પોતાનું ધનુષ્ય અન્ય જરુરિયાતવાળી અન્ય ખેલાડીને આપી દીધું. રેક્યુર્વે કરતાં કમ્પાઉન્ડ તીરંદાજી વધુ તકનિકી મનાય છે અને તેના માટેનું ધનુષ-બાણ પણ ઘણુ મોંઘુ હોય છે. મધુરાનું ખ્વાબ પુરું કરવા માટે તેના પિતા શૈલેન્દ્રએ ફરી વખત સગા-વહાલાની પાસે આર્થિક મદદ માંગી અને લગભગ બે લાખ રુપિયાનો ખર્ચ કરીને કમ્પાઉન્ડ તીરંદાજી માટેના ધનુષ-બાણની ખરીદ્યા. આ પછી તેણે અમરાવતીમાં જ કોચ પવન તંમ્બાટના માર્ગદર્શનમાં તાલીમ મેળવવાની શરુ કરી દીધી અને તે પછી તબક્કાવાર તેણે રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર દેખાવ કરવાનો શરુ કરી દીધો અને એશિયા કપ સ્ટેજ થ્રી રેન્કિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો.
અલબત્ત, લગભગ બે લાખ રુપિયાનું કમ્પાઉન્ડ તીરંદાજીનું ધનુષ માત્ર બે જ વર્ષમાં તુટી ગયું અને આ કારણે તેના પરિવાર પર આર્થિક બોજો આવી પડયો. તે જ વર્ષે તેની મોટી બહેન શલાકાના લગ્ન પણ હતા, જેના કારણે તેની કારકિર્દીને ફટકો પડે તેમ હતું. અલબત્ત, તેને પિતાએ જેમ-તેમ કરીને નાણાં એકઠા કર્યા અને તેને નવુ ધનુષ લઈ આપ્યું હતુ. આ પછી વર્ષ ૨૦૨૨માં તેની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવી અને તેણે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. જોકે આંતરરાષ્ટ્રીય તીરંદાજીમાં તેનો દેખાવ સરેરાશ રહેતો.
મધુરાની નવી રાહની તલાશ હતી, ત્યારે જ તેને તેની એક સાથી તીરંદાજે પ્રવિણ સાવંતની એકેડમીમાં જોડાવાની સલાહ આપી અને ત્યાર બાદ તેની જિંદગીમાં ઘણું પરિવર્તન આવી ગયું. કોચ પ્રવિણે મધુરાની કેટલીક ટેકનિકમાં સુધારો કર્યો, જે તેની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સમાન બની રહ્યો. પ્રવિણે તેનું ધનુષ્ય તો બદલી જ નાંખ્યું, સાથે સાથે તેની ઉભા રહેવાની અને નિશાન તાકવાની તકનિકમાં પણ સુધારો કર્યો અને તેના પરિણામે મધુરાએ શાંઘાઈ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી હતી. હવે ઓલિમ્પિક તીરંદાજીમાં પણ કમ્પાઉન્ડ તીરંદાજીની કેટલીક સ્પર્ધાઓ સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે ભારતને અદિતી સ્વામી અને જ્યોતિ સુરેખા વેન્નમ જેવી ખેલાડીઓની સાથે ત્રીજી ગોલ્ડન ગર્લના રુપમાં મધુરા મળી ગઈ છે.