
IPL 2025નું આયોજન 21 માર્ચથી થશે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા બધી ટીમો ધીમે ધીમે તેમના કેપ્ટનના નામ જાહેર કરી રહી છે. થોડા દિવસો પહેલા પંજાબ કિંગ્સ ટીમે શ્રેયસ ઐયરને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો. આ દરમિયાન, લખનૌ સુપર જાયન્ટ્સે પણ તેના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. રિષભ પંત ટીમનો નવા કેપ્ટન હશે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘી બીડ હતી.
પહેલા કેએલ રાહુલ હતો કેપ્ટન
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ 2022થી IPL રમી રહી છે. 2022, 2023 અને 2024ના વર્ષોમાં, લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કેએલ રાહુલે કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમે 2022 અને 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ તેની ટીમ 2024માં તેમ નહતી કરી શકી. મેગા ઓક્શન પહેલા લખનૌએ કેએલ રાહુલને રિટેન પણ નહતો કર્યો. કેએલ રાહુલ આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે. આ વખતે લખનૌની ટીમ નવી આશાઓ સાથે આવી રહી છે. આવી સ્થિતિમાં, ફેન્સને તેના નવા કેપ્ટન પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
પંત અને ગોએન્કા વચ્ચે ખાસ વાતચીત
પંતને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની પુષ્ટિ કરતા, લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે, 'બધી વ્યૂહરચના રિષભની આસપાસ ફરતી હતી, આ બધું તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું પંત જ શા માટે ત્યારે તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે, સમય સાબિત કરશે કે તે ફક્ત IPLનો સૌથી મોંઘો ખેલાડી જ નથી પણ IPLનો શ્રેષ્ઠ ખેલાડી પણ છે.' LSGનો નવો કેપ્ટન બન્યા થયા પછી, પંતે કહ્યું, "અદ્ભુત, સરે મારા વિશે જે કંઈ કહ્યું તેનાથી હું સન્માનિત અનુભવું છું."