
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલના ચોથા દિવસે વિશ્વને નવી ટેસ્ટ ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. સાઉથ આફ્રિકાએ WTC 2025ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં સાઉથ આફ્રિકા માટે એડન મારક્રમે બીજી ઈનિંગમાં 136 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ સિવાય કાગીસો રબાડાએ બંને ઈનિંગમાં 9 વિકેટ લઈને જીતમાં મોટું યોગદાન આપ્યું હતું.
આ ફાઈનલ જીતીને સાઉથ આફ્રિકા 27 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી (તે સમયે નોકઆઉટ ટ્રોફી) જીતી હતી.
આવી રહી મેચ
WTC 2025ની ફાઈનલમાં, ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટેમ્બા બાવુમાની ટીમે ફક્ત 5 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. સાઉથ આફ્રિકા માટે, એડન માર્કરામએ 207 બોલમાં 136 રનની મેચવિનિંગ ઈનિંગ રમી. આ ઉપરાંત, કેપ્ટન ટેમ્બા બાવુમાએ 134 બોલમાં 66 રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાની શરૂઆત સારી નહતી
ટાઈટલ મેચમાં 282 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર રિયન રિકેલ્ટન ફક્ત 06 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, વિઆન મુલ્ડર પણ 50 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. 70 રન પર 2 વિકેટ પડ્યા પછી, એડન માર્કરામ અને ટેમ્બા બાવુમા એ ક્રીઝ પર ટકી રહ્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 147 રનની પાર્ટનરશિપ કરી. બાવુમા 134 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 66 રન બનાવીને આઉટ થયો. પરંતુ માર્કરામ અડગ રહ્યો. ઓસ્ટ્રેલિયન બોલરો પાસે માર્કરામનો કોઈ જવાબ નહતો.
માર્કરામ પોતાની ટીમની જીત સુનિશ્ચિત કર્યા પછી આઉટ થયો. તેણે 207 બોલમાં 136 રનની મેચવિનિંગ ઈનિંગ રમી. આ દરમિયાન, તેણે 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે માર્કરામ આઉટ થયો, ત્યારે સાઉથ આફ્રિકાને જીતવા માટે ફક્ત છ રનની જરૂર હતી.
સમગ્ર મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પહેલી ઈનિંગમાં 212 રન બનાવ્યા હતા. ટીમ તરફથી, સ્ટીવ સ્મિથે પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ 66 રન બનાવ્યા જ્યારે સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 5 વિકેટ લીધી. આ પછી, સાઉથ આફ્રિકાની ટીમ તેની પહેલી ઈનિંગમાં ફક્ત 138 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ વખતે પેટ કમિન્સે 6 વિકેટ લીધી.
આ સાથે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 74 રનની લીડ મળી, પરંતુ કાંગારુ બેટ્સમેનો બીજી ઈનિંગમાં જલ્દી આઉટ થઈ ગયા. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 207 રન બનાવ્યા અને સાઉથ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો. બીજી ઈનિંગમાં પણ કાગીસો રબાડાએ શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. જ્યારે ચોથા દિવસની રમત શરૂ થઈ ત્યારે સાઉથ આફ્રિકાને જીત માટે 69 રનની જરૂર હતી, જે ટીમે દિવસના પહેલા સેશનમાં જ બનાવી લીધા અને 5 વિકેટે ફાઈનલ જીતી લીધી.