
મેક્સવેલ બાદ વિશ્વના સૌથી આક્રમક બેટિંગ માટે જાણીતા વધુ એક સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેને અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હેન્રી ક્લાસેન પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માગતો હોવાથી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. વ્હાઈટ બૉલ ક્રિકેટમાં ક્લાસેન સૌથી આક્રમક બેટર ગણાય છે. ઓસ્ટ્રેલિયાના ધુઆંધાર ખેલાડી ગ્લેન મેક્સવેલે પણ આજે વન ડે મેચમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
2018 માં ડેબ્યૂ કરનાર આ શાનદાર વિકેટકીપર-બેટરે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. ક્લાસેને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, નિર્ણય પર પહોંચવું તેમના માટે કેટલું મુશ્કેલ હતું. તેણે જણાવ્યું કે, ક્રિકેટે મને અનેક મહાન મિત્રો આપ્યા છે. અનેક નવા સંબંધો નવી ઓળખ મળી. જેનો હું જીવનભર અમૂલ્ય ઉપયોગ કરીશ. મને ક્રિકેટ રમવા દરમિયાન અનેક લોકોને મળવાની તક મળી જેમણે મારું જીવન બદલી નાખ્યું. એવા લોકોનો હું આભાર માનું છું.
સાઉથ આફ્રિકાના બેટર- વિકેટકિપર હેનરિક ક્લાસેનની અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય વર્લ્ડ ક્રિકેટ માટે મોટા ઝાટકા સમાન છે. તેણે પોતાની ટેસ્ટ કેરિયરમાં માત્ર ચાર મેચ રમી કુલ 104 રન જ બનાવ્યા છે, પરંતુ વનડેમાં તેણે 60 મેચમાં કુલ 2141 રન ફટકાર્યા છે. હેન્રી ચાર સદી અને 11 અર્ધસદીનો રેકોર્ડ ધરાવે છે. ટી-20 ઈન્ટરનેશનલમાં ક્લાસેને 58 મેચમાં 1000 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે.