
ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂને લીડ્સના મેદાનમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે ઉતરશે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાની નજર ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા પર હશે.પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11માં ક્યા ખેલાડીઓને તક મળે છે તેના પર સૌની નજર રહેશે.
રોહિત શર્મા-વિરાટ કોહલીના ટેસ્ટમાંથી સંન્યાસ બાદ પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ ટેસ્ટ સિરીઝ રમવા માટે મેદાનમાં ઉતરશે. હેડ કોચ ગૌતમ ગંભીર અને નવા કેપ્ટન શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ક્યા ખેલાડીઓને પસંદ કરી શકે છે તેના વિશે જાણીયે...
INDVsENG પ્રથમ ટેસ્ટ મેચમાં આવી હોઇ શકે છે ભારતીય ટીમ
ઓપનર: ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે. જયસ્વાલની સાથે કેપ્ટન શુભમન ગિલ નહીં પણ કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે.
મિડલ ઓર્ડર: મિડલ ઓર્ડરમાં ટીમની બેટિંગ સંભાળવાની જવાબદારી કરૂણ નાયરને મળી શકે છે. કરૂણ નાયરને જો પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળે છે તો તે 8 વર્ષ પછી ટેસ્ટમાં વાપસી કરશે. કરૂણ નાયરે ઇંગ્લેન્ડ સામે પ્રેક્ટિસ મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. કરૂણ નાયરે 2017માં ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.ચોથા નંબર પર કેપ્ટન શુભમન ગિલ બેટિંગમાં આવી શકે છે. વિરાટ કોહલીની જગ્યાએ શુભમન ગિલ રમી શકે છે.
વિકેટ કીપર: પ્રથમ ટેસ્ટ મેચમાં વિકેટ કીપરની જવાબદારી રિષભ પંત નીભાવી શકે છે. રિષભ પંતને ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડ સામે પ્રેક્ટિસ મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે પણ રિષભ પંતને કારણે તેને પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળવી મુશ્કેલ છે.
ઓલ રાઉન્ડર: ઓલ રાઉન્ડર તરીકે નીતિશ કુમાર રેડ્ડી અથવા શાર્દુલ ઠાકુર બન્નેમાંથી કોઇ એકને તક મળી શકે છે.બન્ને ખેલાડી પાસે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ હરિફ ટીમને હંફાવવાની ક્ષમતા છે.
સ્પિનર: સ્પિનરમાં રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. રવિન્દ્ર જાડેજાને ઇંગ્લેન્ડમાં રમવાનો સારો એવો અનુભવ પણ છે. જાડેજા પોતાની બોલિંગથી ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. જાડેજા સિવાય પ્રથમ ટેસ્ટ મેચમાં જો બીજા સ્પિનરને રમાડવામાં આવે તો કુલદીપ યાદવને તક મળી શકે છે.
ફાસ્ટ બોલર: ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન પ્રથમ ટેસ્ટ મેચમાં લગભગ નક્કી છે. ત્રીજા બોલર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ણા અથવા અર્શદીપ સિંહમાંથી કોઇ એકને તક મળી શકે છે. અર્શદીપ સિંહે વન ડે અને ટી-20માં સારી બોલિંગ કરી છે પણ ટેસ્ટમાં હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી. બીજી તરફ પ્રસિદ્ધ ક્રિષ્ણા IPL 2025માં સૌથી વધુ વિકેટો ઝડપીને પર્પલ કેપ જીત્યો છે.
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરૂણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી/શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા/અર્શદીપ સિંહ