
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું. ભારત સામે કોઈપણ વિરોધી ટીમ ન ટકી શકી. ફાઈનલમાં પણ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ કરતા સારી સાબિત થઈ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વરુણ ચક્રવર્તી ભારત માટે સૌથી મોટો હીરો સાબિત થયો અને ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શરૂઆતમાં વરુણ ચક્રવર્તી સ્કવોડનો ભાગ નહતો
જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવ્યું અને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ નહતો કરવામાં આવ્યો. પરંતુ આ પછી, બુમરાહ ઈજાને કારણે મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. પછી સિલેક્ટર્સે વરુણને ભારતીય ટીમમાં સામેલ કર્યો. આ પછી, કોઈને આશા નહોતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કોઈ મેચ રમી શકશે. કારણ કે ટીમમાં પહેલાથી જ ત્રણ સ્પિનર હતા.
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પાંચ વિકેટ લીધી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતે પોતાની પહેલી બે મેચ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે રમી હતી, પરંતુ વરુણ ચક્રવર્તીને આ મેચોમાં તક નહતી મળી. ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી અને ગ્રુપ સ્ટેજમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે એક મેચ બાકી હતી. ત્યારે કેપ્ટન રોહિત શર્માએ એક મોટો નિર્ણય લીધો અને વરુણને ન્યુઝીલેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. વરુણે પણ પોતાના પ્રદર્શનથી ફેન્સને નિરાશ ન કર્યા અને તે કેપ્ટનની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. ન્યુઝીલેન્ડના બેટ્સમેન તેના બોલ સમજી ન શક્યા અને ખરાબ રીતે આઉટ થયા. તેણે ન્યુઝીલેન્ડ સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં 5 વિકેટ લીધી હતી.
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર બોલિંગ
આ પછી, સેમીફાઈનલમાં પણ વરુણ ચક્રવર્તીનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું અને તેણે બે વિકેટ લીધી. આ પછી, તેણે ફાઈનલમાં પણ ન્યુઝીલેન્ડ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી. તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ખુલીને સ્ટ્રોક ન રમવા દીધા. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તે વિરોધી બેટ્સમેન માટે એક અનસોલ્વડ મિસ્ટ્રી રહ્યો. તેણે માત્ર 3 મેચમાં 9 વિકેટ લીધી અને ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ અપાવ્યો. ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટ પહેલા વરુણે ફક્ત એક જ ODI મેચ રમી હતી.