
વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે મંગળવારની રાત સુવર્ણ બની ગઇ.17 વર્ષ પછી RCBએ પ્રથમ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ખિતાબ જીતી લીધો અને આ સાથે જ વિરાટ કોહલીનું વર્ષો જૂનું એક સ્વપ્ન અંતે પૂર્ણ થયું. વિરાટ કોહલી IPLની પ્રથમ સિઝનથી જ RCB સાથે હતો. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલી ભાવુક થયો હતો અને મેચ પૂર્ણ થયા બાદ તેની આંખમાં આસૂ આવી ગયા હતા.
વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
વિરાટ કોહલીએ જીત બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ ચાર તસવીર શેર કરતા ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, 'આ ટીમ જ છે જેને આ સ્વપ્નને પૂર્ણ કર્યું. આ સિઝન હું ક્યારેય નહીં ભૂલું. અમે અઢી મહિના દિલથી રમ્યા અને દરેક ક્ષણનો આનંદ લીધો. આ જીત તે ફેન્સ માટે જે દરેક મુશ્કેલ સમયમાં અમારી સાથે ઉભા રહ્યાં. આ જીત દરેક તે પ્રયાસ માટે છે જે અમે આ ટીમ માટે મેદાન પર કર્યો.'
વિરાટ કોહલીએ IPLની ટ્રોફીને પણ મેસેજ આપ્યો હતો. RCBના પૂર્વ કેપ્ટને લખ્યુ- 'જ્યા સુધી IPLની ટ્રોફીની વાત છે, તમે મને 18 વર્ષ સુધી રાહ જોવડાવી પરંતુ હવે જ્યારે તમને ઉઠાવી અને જીતની ઉજવણી કરી તો લાગ્યુ કે આ રાહ જોવી ખરેખર ખાસ હતી.'
IPLમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું RCB
RCB પ્રથમ વખત 2009માં ફાઇનલમાં પહોંચી હતી ત્યારે તેને ડેક્કન ચાર્જર્સ વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો પછી 2011માં ચેન્નાઇ સુપરકિંગ્સે RCBને હરાવ્યું હતું. 2016માં RCB સારા ફોર્મમાં હતી. ફાઇનલમાં તેને પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. ટીમ એક સમયે જીતની નજીક પહોંચી ચુકી હતી તે બાદ પણ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને હરાવ્યું હતું. તે બાદ ટીમનું ખરાબ ફોર્મ શરૂ થયું હતું. 2020,2021,2022 અને 2024માં ટીમ પ્લે ઓફમાં પહોંચી હતી પરંતુ એક વખત પણ ફાઇનલમાં પહોંચી શકી નહતી. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને IPLમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે.