
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. ICC સાતમા CEO બનવા જઈ રહેલા સંજોગ આજે સોમવારથી પદભાર સંભાળશે. આ પદ માટે 25 દેશમાંથી 2500થી વધુ અરજી આવી હતી. ઉમેદવારોમાં સ્પોર્ટ્સ ગવર્નિંગ બોડી સાથે જોડાયેલા લીડર્સથી માંડી વિવિધ ક્ષેત્રોના સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ સામેલ હતા.
ICCએ નવા CEOની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, "ICC સંજોગ ગુપ્તાનું સ્વાગત કરે છે. તે ક્રિકેટની વૈશ્વિક યાત્રાને એક પરિવર્તનકારી ભવિષ્ય તરફ લઈ જવા સજ્જ છે." ICCએ માર્ચમાં વૈશ્વિક ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી.
સંજોગ ગુપ્તા પાસે વ્યાપક અનુભવ
ICCના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે, "મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે, ICCએ સંજોગ ગુપ્તાની CEO પદે નિમણૂક કરી હતી. સંજોગ પાસે રમતની વ્યૂહનીતિ અને કોમર્શિયાલાઈઝેશનનો વ્યાપક અનુભવ છે. જે ICC માટે અમૂલ્ય રહેશે. ગ્લોબલ સ્પોર્ટ્સ અને મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં તેમનું ઊંડુ જ્ઞાન, ક્રિકેટ ફેન્સનો દૃષ્ટિકોણ જાણવાની જિજ્ઞાસા, અને ટેક્નોલોજી પ્રત્યેનો જુસ્સો આગામી વર્ષમાં રમતને નવી ઊંચાઈએ પહોંચાડવાની મહત્ત્વાકાંક્ષામાં અગત્યની રહેશે."
12 ઉમેદવારોને કર્યા હતા શોર્ટલિસ્ટ
ICCની HR અને રેમ્યુનરેશન કમિટીએ 12 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જેમની પ્રોફાઈલ નોમિનેશન કમિટી સાથે જોડવામાં આવી હતી. આ કમિટીમાં ICCના ડેપ્યુટી ચેરમેન ઈમરાન ખ્વાજા, ECBના ચેરમેન રિચર્ડ થોમ્પસન, શ્રીલંકા ક્રિકેટના અધ્યક્ષ શમ્મી સિલ્વા અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા સામેલ હતા. શોર્ટલિસ્ટિંગ બાદ નોમિનેશન કમિટીએ સર્વાનુમતિએ સંજોગ ગુપ્તાની ભલામણ કરી હતી. આ ભલામણ ICCના ચેરમેન મૂલ્યાંકન અને આંકલન બાદ સ્વીકારી હતી.
કોણ છે સંજોગ ગુપ્તા?
દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચરલ ઓફ આર્ટ્સ (ઓનર્સ) ની ડિગ્રી મેળવ્યા બાદ સંજોગ ગુપ્તાએ દિલ્હીમાં ધ ટ્રિબ્યુનમાં સ્પોર્ટ્સ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મીડિયાનું ઊંડું જ્ઞાન ધરાવે છે. 2010માં સ્ટાર ઈન્ડિયાના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે જોડાયા હતા. જ્યાં તેમણે પ્રોગ્રામિંગ, સ્ટ્રેટેજી સહિત અનેક લીડરશીપ ભૂમિકા ભજવી હતી. બાદમાં 2020માં ડિઝ્ની એન્ડ સ્ટાર ઈન્ડિયાના સ્પોર્ટ્સના CEO બન્યા હતા. વાયકોમ 18 અને ડિઝ્ની સ્ટાર બાદ ગુપ્તા નવેમ્બર, 2024માં જીઓ સ્ટારમાં સ્પોર્ટ્સ એન્ડ લાઈવ એક્સપિરિયન્સના CEO તરીકે જોડાયા હતા.
સંજોગ ગુપ્તાએ ક્રિકેટની ટોચની ઈવેન્ટ્સ ICC ટૂર્નામેન્ટ અને IPLના નિરંતર વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગ જેવી સ્થાનિક સ્પોર્ટ્સ લીગની સ્થાપનામાં પણ યોગદાન આપ્યું છે. તેમણે ભારતમાં પ્રીમિયમ લીગ અને વિમ્બલડન જેવી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઈવેન્ટની લોકપ્રિયતા વધારવામાં પણ ભાગ ભજવ્યો છે. CEO પદ સંભાળ્યા બાદ તેઓ લોસ એન્જલ્સ ઓલિમ્પિક ગેમ્સ 2028માં ક્રિકેટને સામેલ કરવાના પ્રયાસો કરશે.