Home / Gujarat : Weather to change in the state in the next five days, rain with thunder predicted

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. જ્યારે 7 અને 8મેના રોજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે 63 ટકા, બુધવારે 70 ટકા, ગુરૂવારે 43 ટકા, શુક્રવાર-શનિવારે 40 ટકા જેટલી વરસાદની સંભાવના છે.

રવિવારે અમદાવાદમાં 41.4 ડિગ્રી સરેરાશ મહામ તાપમાન નોંધાયું હતું. જોકે, બે દિવસ બાદ વરસાદની સંભાવનાને પગલે તાપમાન 40થી નીચે જઇ શકે છે. રાજ્યમાંથી અન્યત્ર અમરેલીમાં 40.9, રાજકોટમાં 41.8, વડોદરામાં 40.4, ભાવનગર-ડીસામાં 39.1, ભુજમાં 37.6, સુરતમાં 34.3 ડિગ્રી સરેરાશ મહામ તાપમાન નોંધાયું હતું.  

આગામી 5 દિવસ ક્યાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી?

તારીખ 5  મે  : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, કચ્છ. 

6 થી 9 મે : પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવ. 

બનાસકાંઠામાં માવઠા થતાં ખેડૂતોના પાકને નુકસાન

રાજ્યભરમાં અચાનક વાતાવરણ પટલાયું છે, ત્યારે રવિવારે (4 મે, 2025) અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં માવઠાના કારણે બનાસકાંઠાના એક ખેડૂતે 18 વીધામાં વાવેલી ટેટીઓ બગડી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ખેડૂતનું કહેવું છે. જ્યારે ખેડૂતે સરકાર પાસે પાક નુકસાનીના વળતરની માગ કરી હતી.

જ્યારે કમોસમી વરસાદના કારણે પાલનપુરમાં 500 જેટલાં આંબાઓ પરની કેરીઓ ખરી પડી હતી. પાલનપુરના ખેડૂતે આશરે 8 લાખ રૂપિયામાં આંબાવાડી ઈજારા પર રાખી હતી. જ્યારે હવે પવન અને માવઠું થવાથી આંબાઓ પરની કેરીઓ ખરી પડતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ છે. 

ખેડૂતોના પાકને ભારે નુકસાન 

ગુજરાતમાં અનેક જગ્યાએ રવિવારે કમોસમી વરસાદ વરસતા અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં અરવલ્લીના ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી જતાં ખેડૂતો-વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી હોવા છતાં યાર્ડ તંત્ર દ્વારા ઘઉં, મકાઈ, સોયાબીન સહિતનો પાક ખુલ્લામાં રાખવાથી પાક પલળ્યો હતો. જ્યારે પાકને નુકસાન થતાં ખેડૂતો-વેપારીઓએ સરકાર પાસે વળતરની માગ કરી હતી.

 


Icon