
- અમૃતની અંજલિ
આકાશનાં આંગણે પરિભ્રમણ કરતાં મંગળ-શનિ-રાહુ-કેતુ વગેરે ગ્રહોની ગતિ વ્યક્તિનાં શુભ યા અશુભ ભાવિનું સૂચન કરે છે એમ જ્યોતિષશાસ્ત્રના જાણકારો કહે છે. કેટલોક વર્ગ આ વાતને સર્વથા સત્ય માનીને ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા ભાત-ભાતનાં વિધિવિધાનો કરે છે. તો કેટલોક વર્ગ જ્યોતિષને ભ્રામક ચક્કર ગણી જ્યોતિષીઓ પાછળ એક રૂપિયો વેડફવા તૈયાર નથી હોતો.
આકાશી એ ગ્રહોની શુભાશુભ અસરો માનવામાં ભલે મતમતાંતરો હોય. પરંતુ આપણાં જીવન સાથે જોડાયેલ અને જેના અંતે 'ગ્રહલ્લ શબ્દ આવે છે તેવી કેટલીક બાબતો એ પ્રકારની છે કે એની વ્યક્તિનાં જીવન પર સર્જાતી અશુભ અસરો અંગે કોઈ જ મતમતાંતર નથી. આપણે બે લેખમાં કુલ ચાર બાબતો એવી નિહાળીશું કે જેનો જ્યોતિષ સાથે જરા ય સંબંધ નથી. પરંતુ જીવન સાથે ભરપૂર સંબંધ છે. એ જો વ્યક્તિથી દૂર થઈ જાય તો વ્યક્તિ ઘણા બધા અશુભથી-નુકસાનોથી બિલકુલ બચી જાય.
(૧) સ્વભાવમાંથી હઠાગ્રહ:
આ જગતમાં ચાર હઠ પ્રસિદ્ધ છે: બાળહઠ-સ્ત્રીહઠ-યોગીહઠ અને રાજહઠ. બાળક જીદે ચડે-હઠ પકડે ત્યારે કાંઈ ન સમજે અને રડી રડીને ય ધાર્યું કરાવે, તો સ્ત્રીની હઠ સંતોષવા ભલભલા માંધાતા પુરુષોને દોડતા થઈ જવું પડે છે: જેમ સીતાજીની સુવર્ણમૃગની હઠ માટે રામચન્દ્રજીને સુવર્ણમૃગ પાછળ દોડવું પડયું એમ. યોગી હઠે ભરાય તો કોઈ કિંમતે તંત ન મૂકે, એમ રાજા કોઈ વાતે પકડમાં આવી જાય તો બધું રમણ-ભમણ થઈ જાય તો ય પોતાની પકડ ન મૂકે.
કબૂલ કે આ ચાર હઠ પ્રસિદ્ધ છે અને ભલભલાનાં પાણી ઉતારી દે એવી છે. પરંતુ હઠ આ ચાર પૂરતી જ સીમિત નથી. એ સિવાયનો પણ બહોળો વર્ગ એવો છે કે જે બુદ્ધિમાન હોય તો ય અને ન હોય તો ય, સમજદાર હોય તો ય અને ન હોય તો ય, વિચારક હોય તો ય અને ન હોય તો ય. ક્યાંક ને ક્યારેક કોઈ બાબતે હઠીલો-જીદ્દી થઈ જતો હોય છે. પોતાની વાત સંપૂર્ણ સાચી હોય અને એ માટે વ્યક્તિ હઠે ભરાય તો હજુ એ સત્યાગ્રહમાં ગણાય. પરંતુ વિચિત્રતા-વિલક્ષણતા મોટી એ છે કે વ્યક્તિ ખુદ મનોમન સમજતી હોય કે મારી હઠ-પકડ ગલત છે. તો પણ તે એને છોડવા તૈયાર ન થાય.
લંકાધીશ્વર રાવણ. એ કોઈ અભણ-અશિક્ષિત વ્યક્તિત્વ ન હતું. પ્રખર વિદ્ધાન વ્યક્તિત્વ હતું. જૈન રામાયણ મુજબ તો એણે ઠેઠ યુવાવસ્થામાં કેવલજ્ઞાની ભગવંતનાં મુખેથી પોતાનું સચોટ ભવિષ્ય જાણ્યુ હતું કે ''તારું મોત પરસ્ત્રીનાં નિમિત્તે થશે. આટલી સ્પષ્ટ બીના જાણવા છતાં એ અંતિમ તબક્કા સુધી પોતાની હઠ છોડી ન શક્યો. એ રાજા હતો તે નહિ, બલ્કે તે વિદ્ધાન-વિચારક હતો તે 'એંગલ'થી વિચારીએ તો સમજાશે કે બુદ્ધિમાન-સમજદાર વ્યક્તિ પણ હઠાગ્રહનો ભોગ બની જતી હોય છે અને ત્યારે પોતાની વાત ખોટી હોવાનું જાણવા છતાં તંત મૂકી શકતી નથી.
હવે લઈએ એક એવું ઉદાહરણ કે જેમાં સંલગ્ર વ્યક્તિઓમાં વિદ્ધતા-વિચારકતા જેવું કાંઈ ન જોવા મળે. સાવ સરેરાશ ગ્રામીણ-અશિક્ષિત વ્યક્તિત્વ. વળી વિલક્ષણતા એવી કે રાવણની હઠમાં તો સીતાજીની પ્રાપ્તિનો કાંઈકે નજરે આવી શકે એવો લાભ હતો. જ્યારે આ અશિક્ષિત-ગ્રામીણજનોની હઠમાં આવો સૂક્ષ્માતિસૂક્ષ્મ લાભ પણ નિહાળવા ન મળે. ઘટના એ કાંઈક આવી છે: ગ્રીષ્મઋતુનો આગ જેવી ગરમી વરસાવતો દિવસ. મધ્યાહ્નસમયે ખેતરમાં સસરો-જમાઈ ખેતીસંબંધી મજૂરીકાર્ય કરતા હતા. દેહ પ્રસ્વેદતરબોળ હતો. પરંતુ મજબૂત શરીર અને રોજિંદી આ જીવનશૈલીથી એમના માટે એ ગરમી અને એ શ્રમ સહી શકાય તેવો હતો. બન્ને અભણ-અશિક્ષિત અને જડભરત હતા. જે વાત પકડે એનો તંત ન મૂકવો: આ એમનો સ્વભાવ હતો. એવામાં ખેતરની બિલકુલ બાજુના માર્ગ પરથી પગપાળા જઈ રહેલ પ્રવાસીએ પૂછયુંઃ ''રામપુર અહીંથી કેટલું દૂર થાય?'' પ્રવાસીના ચહેરા પર પ્રવાસ અને ગરમીનો થાક જણાતો હતો. જમાઈએ તરત જવાબ આપ્યો: ''બરાબર ચાર માઈલ થશે. ચાલ્યા જાવ તમતમારે સીધેસીધા.'' આ શબ્દો સાંભળતા સસરાને મનોમન પોતાનું અવમૂલ્યન લાગ્યું કે 'આ ખેતર મારું છે, વયમાં હું મોટો છું, આ વિસ્તારથી પૂરેપૂરો પરિચિત છું અને હજુ થોડો મહિનાથી મારી સાથે રહેવા આવેલ આ લબરમૂછિયો જુવાન મને બાજુએ રાખી ફટાક જવાબ આપી દે એ કેમ ચાલે ? આ ઘૂંઘવાટમાં સસરાએ મેદાનમાં ઝંપલાવી પેલા પ્રવાસીને કહ્યું કે ''હું તો વર્ષોનો આ માર્ગનો અનુભવી છું. પૂરા પાંચ માઈલનો માર્ગ છે એમ સમજીને ચાલજો. મારા જમાઈની વાત પર ભરોસો રાખશો તો વહેલા થાકશો. એને અહીંની ઊંડી ગતાગમ ક્યાંથી હોય?'' બસ, થઈ રહ્યું. સસરાએ પેલા પ્રવાસીની સામે જ પોતાને હીન ચીતર્યો એનાથી જમાઈને મગજમાં ઝાળ લાગી ગઈ. એણે ય પ્રવાસી સામે જોઈ તોછડાઈથી કહ્યું: ''ભાઈ ! રસ્તો ચાર જ માઈલ છે. એનો તમે પૂરો ભરોસો રાખજો. મારા આ સસરા હવે 'ઘરડું થયેલું માણસ' છે. એમને ચાલતા વાર લાગે એટલે રસ્તો લાંબો લાગે. વળી 'સાઠે બુદ્ધિ નાઠે' કહેવતની જેમ હવે એમની બુદ્ધિ-યાદશક્તિ ઓછી થતી જાય છે. એથી ચાર છે કે પાંચ માઈલ એ તેઓ ભૂલી જાય છે.'' પછી તો ભાષાનું સ્તર ઓર નીચે ઊતરતું ગયું અને સસરો-જમાઈ બેફામ ગાળાગાળી પર આવી ગયા. સ્તબ્ધ થઈ ગયેલ શાણો પ્રવાસી ચૂપચાપ ત્યાંથી ચાલતો થયો. તો ય આ બે જડભરત હઠાગ્રહીઓ તંત છોડતા ન હતા. ગુસ્સાની પરાકાષ્ઠાએ સસરો જમાઈને મારવા ત્રિકમ લઈને દોડયો, તો જમાઈ સસરાને મારવા કોશ લઈને દોડયો. પલવારમાં જ લોહીની હોળી ખેલાઈ જાત. પરંતુ ત્યાં બપોરનું ભાતું લઈને આવેલ સ્ત્રી વચ્ચે આવી. એ એકની પુત્રી હતી અને બીજાની પત્ની! એણે રડી રડીને બન્નેને માંડ અટકાવ્યા અને શાણપણ દાખવી બેમાંથી કોઈને ખોટા ન ઠેરવ્યા. એણે પિતાને એમ સમજાવ્યા કે ''ભલે તમારા હિસાબે માર્ગ પાંચ માઈલનો હોય. પણ એક માઈલ અને કન્યાદાનમાં આપી ઓછો કરી દો. એટલે તમારા જમાઈની ચાર માઈલવાળી વાત સચવાઈ જાય.'' બન્ને પોતપોતાના હઠાગ્રહ પર અડગ રહી આખરે આ વાત પર શાંત થયા !
ધ્યાનથી વિચારીશું આ દ્રષ્ટાંત તો સમજાશે કે રસ્તો ચાર માઈલનો હોય કે પાંચ માઈલનો, એમાં આ બન્ને જડભરતોને કાંઈ લાગતું વળગતું ન હતું. ચાલવામાં જે કાંઈ વધ-ઘટ થાય એનાં લાભ-નુકસાન પેલા પ્રવાસીને હતા. છતાં હઠાગ્રહવશ બન્ને ઝઘડીને જીવ લેવા પર આવી ગયા ! આખર જે રીતે સમાધાન થયું એ ય હાસ્યાસ્પદ હતું. છતાં બન્ને તૈયાર થયા એનું કારણ બન્નેની હઠ અફર રહી હતી એટલે.
તો, હઠાગ્રહ આવી ખતરનાક બાબત છે કે જે સાવ માલ વિનાની વાતમાં ય બેહદ પકડ કરાવીને જાલિમ નુકસાન કરાવે. સમજદાર વ્યક્તિએ સાવધાનીપૂર્વક-પ્રયત્નપૂર્વક સ્વભાવમાંથી આ હઠાગ્રહ નામે દોષનું નિવારણ કરવું જોઈએ.
(૨) મનમાંથી પૂર્વગ્રહ:
સામી વ્યક્તિ યા વસ્તુ માટે આપણાં દિલદિમાગમાં જડબેસલાખ જામી ગયેલ ગલત અભિપ્રાય. એક વાત આપણા સહુના અનુભવમાં છે કે સામેનું દ્રશ્ય ભલે અવનવા રંગોની રંગોળી જેવું રંગભરપૂર હોય. પરંતુ જો એને નિહાળનાર વ્યક્તિએ લાલ-લીલા કે પીળા રંગના ચશ્મા પહેર્યા હોય તો એને પેલું રંગભરપૂર દ્રશ્ય પણ માત્ર લાલ રંગનું-લીલા રંગનું કે પીળા રંગનું જ લાગવાનું. કારણ? એ જ કે એના ચશ્માનો રંગ એ છે.
બસ, આના જેવી જ વાત છે પૂર્વગ્રહના ચશ્માની. સામેની વ્યક્તિ ભલે ને સારી હોય, ''જેન્ટલમેન'' સ્વભાવ ધરાવતી હોય પરંતુ તમારાં મનમાં જો 'એ વ્યક્તિ ખરાબ જ છે.' એવો જડબેસલાખ પૂર્વગ્રહ જામી ગયો હોય તો એની નજરે તરી આવતી સારી વૃત્તિ-પ્રવૃત્તિ પણ તમને ગલત જ લાગવાની. એથી વિપરીત, સામી વ્યક્તિ ખરેખર ખરાબ હોય-દુષ્ટતાનો અવતાર હોય. પરંતુ તમારાં મનમાં એના માટે 'આ તો બહુ સારી વ્યક્તિ છે' એવો જડબેસલાખ પૂર્વગ્રહ જામી ગયો હોય તો એની સહુને દેખાતી ખોટી વૃત્તિ-પ્રવૃત્તિઓ તમને સારી જ લાગશે. પૂર્વગ્રહ નામના ચશ્માની આ કરામત છે. આમાં બે ય તરફી નુકસાનો એ છે કે વ્યક્તિ સારી હોય તો પૂર્વગ્રહનાં કારણે એના સંસર્ગથી દૂર રહી જવાય અને વ્યક્તિ ખોટી હોય તો પૂર્વગ્રહનાં કારણે એના કુસંગથી બચી ન શકાય!
પૂર્વગ્રહ કેવું ઊંધું વેતરે એ જાણવા વાંચો આ નાનકડી કરુણાંત કથા: પત્ની નાનકડા ચાર-પાંચ વર્ષના બાળકને મૂકી મૃત્યુ પામી ગઈ એ પછી પિતાએ પુનર્લગ્ર સમયે એ તકેદારી રાખી હતી કે આવનાર સ્ત્રી બાળકની સગી માતાની જેમ કાળજી કરે. એથી નવી માતા બાળકને પોતાનું સંતાન ગણી સાચવતી હતી. પરંતુ તકલીફ ત્યાં થઈ કે બાજુની અપરિપક્વ પડોશી મહિલાએ સાવ ના-સમજ બાળકની કાનભંભેરણી કરી કે ''આ તારી ખરી મા નથી, સાવકી મા છે. એ તને સાચવે નહિ દુઃખી જ કરે.'' નાદાન બાળકનાં દિમાગમાં નવી મા પ્રત્યેનો આ પૂર્વગ્રહ જડબેસલાખ જામી ગયો. એ એનાથી દૂર ભાગે. એ ભણે નહિ ને મા ગુસ્સાથી બોલે તો એને એમ જ લાગે કે 'આ મારી ખરી મા નથી, માટે મને ત્રાસ આપે છે.'
હદ તો ત્યાં આવી કે એક વાર એ માંદો પડયો. વૈદ્યની સલાહ મુજબ માએ કાળજીથી બધી મીઠાઈ બંધ કરાવી મગની ફોતરાંવાળી દાળ સ્વાસ્થ્ય માટે આપવા માંડી. બાળકને એમ લાગ્યું કે 'આ તો મરેલી માંખોની દાળ છે. સારું ભોજન બંધ કરાવીને અને માંખીની દાળ આપીને એ મને મારી નાંખવા માંગે છે. કોઈ પણ ઉપાયે એણે દાળ ન જ આરોગી. સાવ ભૂખ્યો રહ્યો. અને 'આ મા મારી નાંખશે'ના વિચારોના આઘાતમાં એ ખરેખર રાત્રે મૃત્યુ પામ્યો! પૂર્વગ્રહનું આ કાતિલ પરિણામ હતું.
છેલ્લે પૂર્વગ્રહ તોડવાની અદ્દભુત કલાત્મક પ્રેરણા કરતાં એક સુવાક્ય સાથે સમાપન કરીએ કે ''તમે એકની એક નદીમાં બીજીવાર પગ નથી મૂકી શકતા!''
- આચાર્ય વિજયરાજરત્નસૂરિ