છોટા ઉદેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો વિડિઓ સામે આવ્યો છે. જેમાં દેવલીયા ગામથી તેજગઢ સુધીના વિદ્યાર્થીઓ ભણવા માટે છકડા રિક્ષામાં લટકીને જતા જોવા મળ્યા છે. ભણતર માટે વિદ્યાર્થીઓને રોજિંદા જીવન જોખમમાં મુકવું પડે છે તે સ્થિતિ આજના શિક્ષણયુક્ત યુગ માટે શરમજનક ગણાય. એક બાજુ રાજ્યમાં દર વર્ષની જેમ પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, શિક્ષણના અધિકાર અને શાળાઓમાં પ્રવેશને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પુરતી વાહનસૂવિધા પણ ઉપલબ્ધ નથી. વિડિઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે નાના બાળકો જીવન જોખમે છકડા રિક્ષામાં લટકીને લાંબા અંતર સુધી ભણવા જાય છે. બાળકોની સુરક્ષાને લઈ કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં ન આવતા મોટું દુર્ઘટનાનું જોખમ પણ વર્તાઈ રહ્યું છે.આ ઘટના શિક્ષણ વિભાગ અને સ્થાનિક પ્રશાસન માટે ચેતવણીરૂપ છે. છોટા ઉદેપુરના ટેકરાવાળા વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડવા માટે માત્ર પ્રવેશોત્સવ નહિ, પરંતુ મૂળભૂત સુવિધાઓ જમાવવી પણ તાત્કાલિક જરૂરી છે.