
દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો શેરડી અને ડાંગર બે મુખ્ય પાકો અહીં ખેતીમાં થતા હોય છે. ડાંગરના રૂપિયા તો ખેડૂતોને સમયસર મળી જાય છે. પરંતુ શેરડીને રોપણી કરતા ખેડૂતોને શેરડીની કાપણી થયા બાદ પણ એક વર્ષ પછી તેના રૂપિયા મળતા હોય છે. શેરડીની કાપણી થયાના એક મહિના બાદ નક્કી કરેલ હપ્તાની ચુકવણી કરવામાં આવતી હોય છે. બાદમાં તબક્કાવાર ત્રણ હપ્તામાં ખેડૂતોને પૈસા ચૂકવવાના હોય છે. ત્યારે હવે ખેડૂતોને પોતાના પુરવઠાના પૈસા એક જ સમયે મળી જાય એ માટે રાજ્ય ખાંડ નિયામકે દરેક સુગર સંચાલકોને 14 દિવસમાં જ શેરડીની કાપણીના તમામ પૈસા એકી સાથે ચૂકવવા આદેશ કર્યો છે.
મિલોને વ્યાજનું ભારણ વધવાની ચિંતા
સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મેલો ખેડૂતો ને બીજો હપ્તો માર્ચ મહિનામાં નવા ભાવ જાહેર થયા બાદ ચુકવતા હોય છે. જ્યારે છેલ્લો હપ્તો દિવાળી ની આસપાસ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવે છે. જેથી ખેડૂતોને શેરડીની રોપણી કરે ત્યારથી લઈને શેરડીના પૂરેપૂરા રૂપિયા મળતા બેથી અઢી વર્ષનો સમય લાગી જાય છે. જેને લઈને ખેડૂતોમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો હતો. જોકે એક સાથે મોટી રકમ હવે આપવાની આવતાં સુગર મિલો ને વ્યાજ નું ભારણ વધવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
14 દિવસમાં રૂપિયા ચુકવવાના થતા હોય છે
ખેડૂતોને નિયમ અનુસાર શેરડી કાપણી પૂરી થયાના 14 દિવસમાં જ પૂરેપૂરા રૂપિયા ચૂકવવાના હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો એક સાથે રૂપિયા ચૂકવતી નથી. જેથી હવે રાજ્ય ખાંડ નિયામકે હરકત માં આવીને દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલને પત્ર લખીને ખેડૂતોને રૂપિયા ચૂકવવા સંદર્ભે લીધેલા પગલાં અંગેનો રિપોર્ટ કરવા પણ જાણ કરી છે. ત્યારે હવે આ મામલે તમામ સુગર મિલો ખાંડ નિયામક ના આદેશ નું કેટલું પાલન થશે તે જોવું રહ્યું.