
- તારાથી થાય તે કરી લેજે વિવેક! તારી 60 કરોડની મિલકતમાંથી 30 કરોડ તો હું લઈને જ રહીશ!'
'મે ડમ, તમારા પતિએ આત્મહત્યા કરી લાગે છે. કેનાલ પાસેથી એમની બાઈક અને શૂઝ મળી આવ્યા છે. સાથે એક સાવ ટૂંકી સૂસાઇડ નોટ પણ છે.'
પોલીસ પાસેથી આ ન્યુઝ સાંભળ્યા ત્યારે ખરેખર તો માલવિકાના મનમાં ખુશીની એક લહેર દોડી ગઈ હતી પરંતુ એ વખતે ચહેરા ઉપર આઘાતના હાવભાવ લાવવા જરૂરી હતા.
બે દિવસ પછી ઘટના સ્થળથી ચાર કિલોમીટર દૂર તણાઈ ગયેલી લાશ મળી. એ જોઈને માલવિકાએ હવે, ધુ્રસકે ધુ્રસકે રડવાનું હતું. લાશ આખી ફૂલી ગઈ હતી. પરંતુ ઘડિયાળ, ગળાની ચેઇન અને વોલેટમાં રહેલા આધારકાર્ડથી ઓળખ થઈ શકી.
અંતિમવિધિ વખતે માલવિકા પોતાની છાતી કૂટી કૂટીને ખુબ રડી. એના પતિ વિવેકનાં મા-બાપ અને સગાંવ્હાલાંએ માલવિકાને માંડ માંડ શાંત રાખી.
પરંતુ સગાંઓ ગયા પછી માલવિકાએ ઝડપ કરી. તે સીધી બેન્કમાં ગઈ.
'મારા હસબન્ડના ખાતામાં કેટલા રૂપિયા છે ? મારે ઉપાડી લેવા છે.'
'સોરી મેડમ, તમારા પતિએ પોતાનું ખાતું તો એક મહિના પહેલા ક્લોઝ કરીને બધી રકમ ઉપાડી લીધી હતી, હા, તમારા બન્નેના જોઇન્ટ એકાઉન્ટમાં પાંચેક લાખ છે. એમાંથી તમે વિધડ્રો કરી શકો છો !'
'અને બેન્કનું લોકર ? એમાં તો અમારા બન્નેની સહી ચાલતી હતી ને ?'
'ઓહ શ્યોર !' મેનેજરે કહ્યું, 'લોકર તો હજી છે જ !'
પણ જ્યારે માલવિકાએ લોકર ખોલ્યું ત્યારે એ પણ ખાલીખમ હતું ! માલવિકાને ચક્કર આવી ગયાં ! આ શી રીતે બની ગયું ?
હજી એ પોતાને બંગલે પાછી આવે છે ત્યાં ઝાંપા આગળ બે વકીલો સાથે અમુક માણસો ઊભા હતા. એમણે માલવિકાના હાથમાં નોટિસ આપતાં કહ્યું :
'સોરી મેડમ, તમારે બંગલો ખાલી કરવો પડશે કેમકે તમારા હસબન્ડે એક મહિનાં પહેલાં તેનો સોદો અમારી સાથે કર્યો હતો. એમા શરત એ હતી કે આજની તારીખ સુધી તમારું પઝેશન રહેશે. આજ પછી અમે એના માલિક છીએ !'
માલવિકાના પગ તળેથી જાણે ધરતી ખસી રહી હતી ! તેને વિચાર આવ્યો : 'તો પછી ફેક્ટરીનું શું થયું હશે ?'
ત્યાં પણ એ જ સ્થિતિ હતી ! વિવેકે લગભગ એક મહિના પહેલાં આખી ફેક્ટરી તેના તમામ માલસામાન અને ગુડવિલ સાથે કોઈ બીજી કંપનીને વેચી દીધી હતી !
માલવિકાને સમજાતું નહોતું કે આ થઈ શું રહ્યું છે ? પણ એક મિનિટ, વિવેકે તેની શાનદાર મર્સિડીઝ કાર સર્વિસીંગ માટે ગેરેજમાં મોકલી હતી. એ પાંત્રીસ લાખની કાર તો હશે ને ?
ગેરેજમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે 'મેડમ, વિવેક સરે એ કાર વેચવા માટે જ અહીં મુકી હતી. સાત દિવસ પહેલાં જ એક પાર્ટી ખરીદીને લઈ ગઈ !'
માલવિકાનો આખો પ્લાન પત્તાંના મહેલની જેમ એક જ ફૂંકમાં વેરવિખેર થઈ રહ્યો હતો ! તેને એ રાતની યાદ આવી ગઈ જ્યારે વિવેક પંદર દિવસની ફોરેન ટુરથી પાછો આવ્યો ત્યારે માલવિકા તેના બબ્બે બોયફ્રેન્ડો સાથે બિન્દાસ રંગરેલિયાં મનાવી રહી હતી.
જ્યારે વિવેક આ બધું જોઈને ગુસ્સે થવા ગયો ત્યારે માલવિકાએ ચોખ્ખું તેના મોઢા ઉપર સંભળાવ્યું હતું કે 'વિવેક, તારાથી થાય તે કરી લેજે ! આ જ મારી લાઈફ છે અને હુ તો આ જ રીતે જીવીશ !'
વિવેક જ્યારે આગળ કંઈ બોલવા ગયો ત્યારે ખડખડાટ હસતાં માલવિકાએ કહ્યું હતું કે, 'વિવેક, મે તારી સાથે લગ્ન જ એટલા માટે કર્યાં હતાં કે તું ૬૦ કરોડનો માલિક હતો ! જ્યારે જ્યારે તું બહારગામ ગયો છે ત્યારે તારી પાછળ પાછળ મેં પોલીસ સ્ટેશનમાં મારી ઉપર ઘરેલુ હિંસા, બળજબરીથી સંભોગ, અકુદરતી દુષ્કૃત્ય વગેરેની એક ડઝનથી વધુ ફરિયાદો નોંધાવી છે....'
'એટલું જ નહીં, આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ વડે તારા વોઇસ સેમ્પલનો ઉપયોગ કરીને તું મને દહેજ માટે ધમકાવે છે, મને મારી નાંખવાની ધમકી આપે છે એવાં રેકોર્ડીંગ્સ પણ મેં બનાવી રાખ્યાં છે !
મેં ઓલરેડી ત્રણ મોટા વકીલો દ્વારા ડિવોર્સ કેસનાં પેપર્સ રેડી કરાવી રાખ્યાં છે ! તારાથી થાય તે કરી લેજે વિવેક ! તારી ૬૦ કરોડની મિલકતમાંથી ૩૦ કરોડ તો હું લઈને જ રહીશ !'
એ વખતે વિવેક સાવ ડઘાઈ ગયો હતો પછી તે ઘુંટણિયે પડીને બન્ને હાથે મોં ઢાકીને રડતાં રડતાં બોલ્યો હતો : 'માલવિકા, તેં મને બરબાદ કરી નાંખ્યો : હવે તો એક જ રસ્તો બચ્યો છે... આત્મહત્યા !'
'ગુડ !' માલવિકાએ કહ્યું હતું. 'ગો એહેડ ! ડુ ધેટ ! એમાં તો મને તારા સાંઈઠે સાંઇઠ કરોડ મળી જશે !'
- પરંતુ આ તો કંઈ જુદું જ રમાઈ ગયું ! શું વિવેક બધું જ ખાલી કરીને મરી ગયો !
ના. વિવેક મર્યો નહોતો. એ જીવતો હતો, પણ બીજા જ દેશમાં, બીજા જ નામે...
એક મહિના પહેલાં તેણે આ તૈયારીઓ કરી લીધા પછી વિવેક રાહ જોઈ રહ્યો હતો કે સિવિલ હોસ્પિટલમાં ક્યારે કોઈ સાવ બિનવારસી લાશ આવે અને ક્યારે તેને પોતાના કોલેજકાળના જિગરી દોસ્ત ઇન્સ્પેક્ટર રોહિત ચૌહાણની મદદથી પોતાની લાશ બનાવીને માલવિકા સામે ધરી દે !
વિવેકને ખાતરી હતી કે લાશ જોતાંની સાથે જ માલવિકા સામે ચાલીને આ છટકામાં જાતે જ ફસાઇ જશે !