Home / India : It is necessary for judiciary to be independent, flaw in the collegium system: SC judges

ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જરૂરી, કોલેજિયમ સિસ્ટમમાં ખામી: સુપ્રીમ કોર્ટના જજનો સ્વીકાર

ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જરૂરી, કોલેજિયમ સિસ્ટમમાં ખામી:  સુપ્રીમ કોર્ટના જજનો સ્વીકાર

Collegium System: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને કોલેજિયમ સિસ્ટમનો જોરદાર બચાવ કરતા કહ્યું કે, તેમાં ખામીઓ હોવા છતાં, આ સિસ્ટમ ન્યાયતંત્રની સ્વાયત્તતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ સંસ્થાકીય સુરક્ષા તંત્ર છે. અમેરિકાના સિએટલ યુનિવર્સિટીમાં 4 જૂનના રોજ 'ધ ક્વાયટ સેન્ટીનેલ: કોર્ટ્સ, ડેમોક્રેસી એન્ડ ધ ડાયલોગ એક્રોસ બોર્ડર્સ' વિષય પર વ્યાખ્યાન આપતા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'કોલેજિયમ સિસ્ટમ કાર્યપાલિકા અને વિધાનસભાના હસ્તક્ષેપને મર્યાદિત કરે છે, જેનાથી ન્યાયિક નિષ્પક્ષતા સુરક્ષિત રહે છે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોલેજિયમ સિસ્ટમે ટીકાનો સામનો કરવો પડ્યો છે

જોકે, તેમણે એ સ્વીકાર્યું કે, 'કોલેજિયમ સિસ્ટમને પારદર્શિતાના અભાવ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્પષ્ટ માપદંડોના અભાવ માટે ટીકાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં સુપ્રીમ કોર્ટ તરફથી પારદર્શિતા અને જાહેર વિશ્વાસ વધારવાની દિશામાં ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા છે.'

જસ્ટિસ સૂર્યકાંતે  ન્યાયપાલિકાની નીતિ નિર્માણમાંવધતી ભૂમિકા પર પોતાના વિચારો વ્યક્ત કરતા પૂછ્યું કે, 'નીતિ નિર્માણમાં અદાલતો ક્યાં સુધી જઈ શકે છે? ન્યાયિક રચનાત્મકતા ગુણ છે કે એક દોષ છે? તેમણે પોતે આ સવાલોનો જવાબ આપતા કહ્યું કે, 'જ્યારે અદાલતો બંધારણ અને નૈતિક સ્પષ્ટતાના આધારે નબળા વર્ગોને સશક્ત બનાવવા માટે પગલાં ભરે છે, ત્યારે તેઓ લોકતંત્રને નબળુ નથી પાડતા પરંતુ તેને મજબૂત બનાવે છે.'

ભારતીય ન્યાયપાલિકા બંધારણીય નૈતિકતાનું રક્ષક

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'ભારતીય ન્યાયપાલિકા બંધારણીય નૈતિકતાનું રક્ષક છે અને તે ભારતીય લોકશાહીની નૈતિક કરોડરજ્જુ છે.' ઈમરજન્સી દરમિયાન ન્યાયપાલિકા પર આવેલા દબાણની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, 'તે સમયગાળાએ ન્યાયપાલિકાની ચેતનાને નવી દિશા આપી અને આ અનુભવ ન્યાયિક સ્વતંત્રતાની ઊંડાઈને પ્રતિબિંબિત કરે છે.'

તેમણે આગળ કહ્યું કે, 'ભારત જેવા વૈવિધ્યસભર લોકતંત્રમાં ન્યાયપાલિકાએ માત્ર અંતિમ નિર્ણયકર્તા જ નહીં પરંતુ લોકતાંત્રિક યાત્રામાં એક વિશ્વસનીય અવાજ પણ બનવું પડશે. આ દરમિયાન તેણે નમ્ર અને સંવેદનશીલ રહેવું પડશે. બંધારણીય લોકતંત્ર એક એવી વ્યવસ્થા છે જ્યાં બહુમતીવાદને નિયંત્રણમાં રાખવામાં આવે છે, લઘુમતીઓનું રક્ષણ થાય છે અને લોકપ્રિયતાના નામે મૂલ્યોનું બલિદાન નથી આપી શકાતું.'

પોતાના ભાષણના અંતે તેમણે કહ્યું કે, 'ન્યાયપાલિકા તારણહાર નથી પણ એક શાંત ચોકીદાર છે. તે નારા નથી લગાવતી, તે જુએ છે અને જરૂર પડે ત્યારે બોલે છે, ખુશ કરવા માટે નહીં પણ બંધારણના રક્ષણ માટે.'

અભિવ્યક્તિના અધિકારને દબાવી ન શકાય

૩ જૂનના રોજ વોશિંગ્ટન સ્ટેટ સુપ્રીમ કોર્ટ ઓલિમ્પિયાની મુલાકાત દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકાને રેખાંકિત કરતા કહ્યું કે, 'પ્રી-સેન્સરશીપ અને જાહેર વ્યવસ્થાના અસ્પષ્ટ બહાનાઓના આધાર પર અભિવ્યક્તિના અધિકારને દબાવી ન શકાય. લોકતંત્રમાં અસંમતિ આવશ્યક છે. અન્યાય સામે મૌન રહેવું એ તટસ્થતા નથી, પરંતુ સહભાગીદારી છે.'

 

Related News

Icon