Home / India : Rs. 50,000 per month maintenance to wife with a five percent increase every two years:

પત્નીને દર મહિને 50000 રૂ. ભરણપોષણ સાથે દર બે વર્ષે પાંચ ટકાનો વધારો : SCનો ચુકાદો

પત્નીને દર મહિને 50000 રૂ. ભરણપોષણ સાથે દર બે વર્ષે પાંચ ટકાનો વધારો : SCનો ચુકાદો

Supreme Court News : છૂટાછેડાના કેસમાં મહિલાઓના ભરણપોષણને લઇને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે તે પત્નીને દર મહિને 50000 રૂપિયાનું ભરણપોષણ આપશે, એટલુ જ નહીં આ ભરણપોષણમાં દર બે વર્ષે પાંચ ટકાનો વધારો પણ કરવો પડશે. પતિના બીજા લગ્ન બાદ પ્રથમ પત્નીના પુત્રને પિતાની સંપત્તિમાં અધિકાર હોવાની સ્પષ્ટતા પણ સુપ્રીમે કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પત્ની છૂટાછેડા બાદ અપરણિત અને સ્વતંત્ર રહે છે

અગાઉ આ જ મામલામાં કલકત્તા હાઇકોર્ટ દ્વારા ભરણપોષણની રકમ પ્રતિ માસ 20000 રૂપિયા નક્કી કરી હતી, જોકે તેનાથી પત્નીને સંતોષ નહોતો થયો અને તેણે હાઇકોર્ટના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કાયમી ભરણપોષણની રકમ પ્રતિ માસ 50000 રૂપિયા કરી આપી હતી. સાથે જ કહ્યું હતું કે આ કેસમાં પત્ની છૂટાછેડા બાદ અપરણિત અને સ્વતંત્ર રહે છે. તે લગ્ન દરમિયાન જે પ્રકારનું જીવન જીવી રહી હતી તે જ પ્રકારનું જીવન છૂટાછેડા બાદ પણ તેને જીવવાનો અધિકાર છે. પતિની આવકમાં સમય સાથે વધારો થયો છે, છૂટાછેડાનો આ મામલો 17 વર્ષથી ચાલી રહ્યો હતો. 

10 વર્ષ બાદ એટલે કે વર્ષ 2008માં પતિ દ્વારા છૂટાછેડાની અરજી

1997 માં બન્નેએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, 1998માં બન્ને વચ્ચે એક પુત્રનો જન્મ થયો હતો, 10 વર્ષ બાદ એટલે કે વર્ષ 2008માં પતિ દ્વારા છૂટાછેડાની અરજી કરવામાં આવી, પત્નીએ પણ ભરણપોષણ માટે અલગથી કેસ દાખલ કર્યો. વર્ષ 2010માં સ્થાનિક કોર્ટે પત્નીને મહિને 8000 રૂપિયાનું ભરણપોષણ આપવા પતિને આદેશ કર્યો, બાદમાં 2014માં પત્નીને આઠ હજારની સાથે પુત્રને 6000 રૂપિયાનું ભરણપોષણ આપવા કહ્યું.

સ્થાનિક કોર્ટના આદેશની અસંતુષ્ટ પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી, કલકત્તા હાઇકોર્ટે 2015માં ભરણપોષણની રકમ વધારીને 15 હજાર કરી આપી. બાદમાં 2016 માં પતિ દ્વારા દાખલ છૂટાછેડાની અરજી રદ કરી દીધી સાથે જ ભરણપોષણ વધારીને 20 હજાર કર્યું, 2019માં હાઇકોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી, પત્નીએ સુપ્રીમમાં અપીલ કરી હતી, સુપ્રીમે વચગાળાના આદેશમાં 75000નું ભરણપોષણ નક્કી કર્યું હતું જ્યારે અંતિમ આદેશમાં તેને 50000 કરી નાખ્યુ સાથે જ દર બે વર્ષે પાંચ ટકાનો તેમાં વધારો કરવા આદેશ આપ્યો હતો.

પત્નીએ એવી દલીલ કરી હતી કે જ્યારે 20 હજાર રૂપિયા ભરણપોષણ હતું ત્યારે પતિની આવક ઓછી હતી, હવે પતિની આવક મહિને ચાર લાખ રૂપિયા છે. પુત્ર મારી સાથે રહે છે જેની દેખરેખ મારે રાખવાની હોય છે. સુપ્રીમ કોર્ટે દલીલોને માન્ય રાખી હતી અને આ આદેશ આપ્યો હતો. સુપ્રીમે પત્ની એકલી રહે છે તે ઉપરાંત મોંઘવારી અને પતિની વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો હતો. જેમાં એવી સ્પષ્ટતા કરાઇ હતી કે એકલી રહેતી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે આ આદેશ અપાયો છે.

 

Related News

Icon