
બિહારમાં વૉટર્સ લિસ્ટના રિવિઝન માટે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે, ચૂંટણી પંચનો આ પ્રકારનો નિર્ણય મનસ્વી છે અને આમ થવાથી બિહારના લાખો વૉટર્સનો મતાધિકાર છીનવાશે. તમને જણાવી દઈએ કે, બિહારમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. જ્યારે ગત 24 જૂનના રોજ ચૂંટણી પંચે બિહારમાં વૉટર્સ લિસ્ટના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ઘોષણા કરી હતી. ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણય પર વિપક્ષના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે.
આયોગનો નિર્ણય ગેરબંધારણીય અને મનસ્વી છે
ADR દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહ્યું છે કે, 'બિહારમાં વૉટર્સ લિસ્ટના રિવિઝનને લઈને ચૂંટણી આયોગના આદેશથી બંધારણના અનુચ્છેદ 14, 19, 21, 325 અને 326 સાથે-સાથે રિપ્રેઝન્ટેશન ઑફ ધ પીપલ એક્ટ અને રજીસ્ટ્રેશન ઑફ ઈલેક્ટર્સ રૂલ્સ-1960ના નિયણ 21Aનું પણ ઉલ્લંઘન થાય છે. જો આ આદેશ રદ કરવામાં નહીં આવે તો લાખો વૉટર્સને મતાધિકારથી વંચિત રાખવામાં આવશે. જેની સીધી અસર ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર પડશે. આ બંધારણના મૂળ માળખાનું ઉલ્લંઘન ગણાશે.'
લાખો વૉટર્સ મતાધિકાર ગુમાવશે
અરજીમાં જણાવાયું છે કે, ચૂંટણી પંચના આદેશમાં વૉટર્સ લિસ્ટમાં પોતાનું નામ શામેલ કરવાની યોગ્યતા સાબિત કરવાની જવાબદારી સરકારની જગ્યાએ નાગરિક પર મુકી છે. જે રીતે ચૂંટણી પંચે વૉટર્સ લિસ્ટમાં નામ દાખલ કરવા માટે આધાર, રેશનકાર્ડ જેવા સામાન્ય ઓળખપત્રને બદલે અન્ય દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત કર્યું છે. અને પોતાની તેમજ માતાપિતાની ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત બનાવ્યા છે. આમ આ રીતે સમાજના વંચિત વર્ગના લાખો લોકોના નામ વૉટર્સ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવશે.
બિહારમાં નવેમ્બરમાં ચૂંટણી થશે. તેવામાં પંચે વૉટર્સ લિસ્ટ રિવિઝન માટે જે સમયમર્યાદા નક્કી કરી છે તે અયોગ્ય અને અવ્યવહારિક છે. લાખો એવા મતદારો છે કે, તેમના નામ વર્ષ 2003ની વૉટર્સ લિસ્ટમાં પણ ન હતા. આમ તેમની પાસે ચૂંટણી પંચના આદેશ અનુસાર દસ્તાવેજ પણ નથી. એટલે આટલા ઓછા સમયમાં તમામ દસ્તાવેજ મેળવવા તેમના માટે શક્ય નથી.
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી મુજબ, બિહારમાં ગરીબી અને મોટી સંખ્યામાં માઈગ્રેશન કરતા લોકો છે, જેમની પાસે માતા-પિતાના જન્મના પ્રમાણપત્ર અને જરૂરી દસ્તાવેજ પણ નથી. આ આદેશથી અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ, વંચિતો, પ્રવાસી મજદૂર સહિત 3 કરોડથી વધુ લોકો પોતાનો મતાધિકાર ગુમાવશે.