
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન, અરજદારો અને ચૂંટણી પંચનો પક્ષ સાંભળ્યા બાદ કોર્ટે SIR પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ 28 જુલાઈએ આ મામલાની સુનાવણી કરશે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી પંચને મોટી રાહત મળી છે.
દસ્તાવેજોની યાદી અંતિમ નથી
સુપ્રીમ કોર્ટે કમિશનને કહ્યું હતું કે, દસ્તાવેજોની યાદી અંતિમ નથી. કોર્ટે કમિશનને પુરાવા તરીકે આધાર, મતદાર કાર્ડ અને રેશનકાર્ડનો સમાવેશ કરવા કહ્યું હતું, જેનો કમિશને વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે તમને રોકી રહ્યા નથી. અમે તમને કાયદા હેઠળ કાર્યવાહી કરવા કહી રહ્યા છીએ. કોર્ટ હવે 28 જુલાઈએ આ મામલાની સુનાવણી કરશે.
કેન્દ્ર સરકાર નક્કી કરશે કે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નહીં
અરજદારો વતી દલીલ કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે બૂથ લેવલ ઓફિસર (BLO) ને કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નહીં તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે કે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક છે કે નહીં. ચૂંટણી પંચ આ નિર્ણય લઈ શકે નહીં. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, 'નાગરિકતા ફક્ત આધાર દ્વારા સાબિત કરી શકાતી નથી.' આના અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'આ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કામ છે.'
તમારી પ્રક્રિયા બરોબર છે પરંતુ ચૂંટણી પહેલા જ કેમ હોય છે?
સુપ્રીમ કોર્ટે ગુરુવારે (10મી જુલાઈ) બિહારમાં વર્ષ 2025ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા વોટર લિસ્ટ વેરિફિકેશન સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. ચૂંટણી પંચ (EC)ને સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'જો તમારે બિહારમાં વોટર લિસ્ટ વેરિફિકેશન હેઠળ નાગરિકતા તપાસવી હોય, તો તમારે વહેલા પગલાં લેવા જોઈતા હતા. તમારી પ્રક્રિયા બરોબર છે પરંતુ ચૂંટણી પહેલા જ કેમ હોય છે? હવે થોડું મોડું થઈ ગયું છે.'
સુપ્રીમ કોર્ટ અને EC વચ્ચે શું દલીલ થઈ?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચ બિહાર વોટર લિસ્ટ વેરિફિકેશ અંગે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી લગભગ 10 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ત્યારે વોટર લિસ્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટની લિસ્ટમાં આધાર કાર્ડને ધ્યાનમાં ન લેવા બદલ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સવાલ કરતા કહ્યું કે, 'બિહાર વોટર લિસ્ટ વેરિફિકેશનમાં નાગરિકતાનો મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે? આ ગૃહ મંત્રાલયનો અધિકારક્ષેત્ર છે.' આના પર ચૂંટણી પંચે કહ્યું કે, 'બંધારણની કલમ 326 હેઠળ, ભારતમાં મતદાર બનવા માટે નાગરિકતા વેરિફિકેશન જરૂરી છે.'
7.9 કરોડ નાગરિકોને અસર થશે
ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલો રાકેશ દ્વિવેદી, કે.કે. વેણુગોપાલ અને મનીન્દર સિંહ પણ હાજર રહ્યા હતા. જ્યારે અરજીકર્તા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું હતું કે, 'મતદાર યાદીમાં સુધારો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ મંજૂરી આપી શકાય છે. લગભગ 7.9 કરોડ નાગરિકોને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ આવરી લેવામાં આવશે. મતદાર ID અને આધાર કાર્ડ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો નથી.'
10 અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે
આ મામલાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં 10થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાં મુખ્ય અરજદાર બિન-સરકારી સંગઠન એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ છે. આ ઉપરાંત આરજેડી સાંસદ મનોજ ઝા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા ઉપરાંત કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એનસીપી (શરદ પવાર જૂથ) નેતા સુપ્રિયા સુલે, સીપીઆઈના ડી રાજા, સમાજવાદી પાર્ટીના હરિંદર સિંહ મલિક, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અરવિંદ સાવંત, ઝારખંડ મુક્તિ મોરચાના સરફરાઝ અહેમદ અને સીપીઆઈ (એમએલ)ના દીપાંકર ભટ્ટાચાર્યએ સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
વોટર લિસ્ટ વેરિફિકેશન માટેના ચૂંટણી પંચના આદેશને પડકાર્યો
આ તમામ નેતાઓએ બિહારમાં વોટર લિસ્ટ વેરિફિકેશન માટેના ચૂંટણી પંચના આદેશને પડકાર્યો છે. અરજીમાં તેને રદ કરવાનો નિર્દેશ આપવા અપીલ કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા વોટર લિસ્ટ વેરિફિકેશન વિરુદ્ધ બુધવારે (નવમી જુલાઈ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં I.N.D.I.A. ગઠબંધન દ્વારા બોલાવવામાં આવેલા બંધને કારણે બિહારમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.