
સુરત જિલ્લાના કોસંબા તાલુકાના તરસાડી નગરમાં ત્રણ મુખ્ય ભાજપના હોદ્દેદારો જુગાર રમતા ઝડપાયા હતા. આ સમગ્ર ઘટના બાદ ભાજપ પક્ષએ કડક વલણ અપનાવતાં તાત્કાલિક રીતે ત્રણેય હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે.
ક્યાંથી ઝડપાયા જુગાર રમતા?
કોસંબા પોલીસને ગુપ્ત બાતમીના આધારે કુંવરડા પાસે આવેલ એક સીમેન્ટના ગોડાઉન પાસે પતરા ના સેડમાં ચાલતા જુગાર ધામ પર રેડ પાડવામાં આવી હતી. અહીંથી જુગાર રમતા નવ (9) લોકો ઝડપાયા હતા. આમાંથી ત્રણ લોકો ભાજપના હોદ્દેદાર તરીકે કાર્યરત હતા.
સસ્પેન્ડ કરાયેલા હોદ્દેદારોનાં નામ અને હોદ્દા:
સંજય પરમાર – તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ
દિગ્વિજયસિંહ પરમાર – તરસાડી નગર ૬ ભાજપના શક્તિ કેન્દ્રના સંયોજક
મહેન્દ્ર રામાણી – કોષંબા મર્કન્ટાઈલ બેંકના ડિરેક્ટર અને ભાજપ કાર્યકર
પાર્ટી દ્વારા લેવાયેલ પગલાં:
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે ત્રણે ભાજપ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ખાસ કરીને સંજય પરમારને તમામ પક્ષીય હોદ્દાઓ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે,"જે કોઈપણ કાર્યકર્તા કે હોદ્દેદાર પક્ષની શિસ્ત અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ પાર્ટી નહી સહન કરે."