
હરિદ્વાર જમીન કૌભાંડમાં ધામી સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં બે IAS અને એક PCS અધિકારી સહિત કુલ 12 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે વિજિલન્સ જમીન કૌભાંડની તપાસ કરશે.
આ કેસ રૂ.૧૫ કરોડની જમીનને રૂ.૫૪ કરોડમાં ખરીદવાનો છે. જેમાં હરિદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશને નકામી જમીન ખૂબ જ મોંઘા ભાવે ખરીદી હતી. જમીનની તાત્કાલિક જરૂર નહોતી અને ખરીદી પ્રક્રિયામાં પણ કોઈ પારદર્શિતા જાળવવામાં આવી ન હતી. સરકારી નિયમોને અવગણીને આ વહીવટ કરાયું હતું.
રૂ.૧૫ કરોડની જમીન ૫૪ કરોડમાં ખરીદી
રિપોર્ટ મળ્યા બાદ મોટી કાર્યવાહી કરાતાં હરિદ્વાર જિલ્લા મેજિસ્ટ્રેટ કર્મેન્દ્ર સિંહ, ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વરુણ ચૌધરી અને એસડીએમ અજયવીર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિનિયર ફાઇનાન્સ ઓફિસર નિકિતા બિષ્ટ, લો ઓફિસર રાજેશ કુમાર, તહસીલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કમલદાસ અને સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ વિક્કીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં પહેલી વાર એવું બન્યું છે કે સત્તામાં રહેલી સરકારે પોતાની જ વ્યવસ્થાના ઉચ્ચ અધિકારીઓ પર આકરા પગલાં લીધા હોય. હરિદ્વાર જમીન કૌભાંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લીધેલા નિર્ણયો માત્ર એક કૌભાંડનો પર્દાફાશ કરવાની કાર્યવાહી નથી, પરંતુ ઉત્તરાખંડની વહીવટી અને રાજકીય સંસ્કૃતિમાં નિર્ણાયક પરિવર્તનનો સંકેત પણ છે.
આ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ સહાયક મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર કુમાર દયાલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર આનંદ સિંહ મિશ્રવન, ટેક્સ અને રેવન્યુ સુપરિન્ટેન્ડેન્ટ લક્ષ્મીકાંત ભટ્ટ અને જુનિયર એન્જિનિયર દિનેશ ચંદ્ર કંડપાલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રોપર્ટી ક્લાર્ક વેદવાલ સામે પણ શિસ્તભંગના પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.