Home / Religion : Life message of Shri Swaminarayan Bhagwan

Dharmlok: શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવન સંદેશ 

Dharmlok: શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જીવન સંદેશ 

- 195મો અંતર્ધાન દિન

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જીવ અનાદિકાળથી અજ્ઞાાનમાં બદ્ધ છે. આ અજ્ઞાાનને કારણે જીવ વાસનાના વમળમાં ફસાય છે. તેના પ્રત્યેક કર્મ ઉપર વાસનાના પડછાયા પડે છે. તેથી તેના કર્મ સત્વગુણ રજોગુણ અને તમોગુણથી યુક્ત બને છે. આવા અનંદ જીવોનો શ્રેય કરવાને માટે, વ્યક્તિનું નૈતિક ઉત્થાન કરી તેઓને ખરા અર્થમાં માનવ બનાવવા માટે, શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને તેમણે સમાજની બદીઓને દૂર કરી, સમાજની કાયાપલટ કીધી. વ્યસનમુક્તિનું અસાધારણ આંદોલન ચલાવી સમાજને સ્વસ્થ અને સમૃદ્ધ કર્યો. સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન મંદિરો-શાસ્ત્રો અને સંતો બનાવીને ભારતીય સંસ્કૃતિના પાયા સદ્રઢ બનાવ્યા. સાહિત્ય-સંગીત-સ્થાપત્ય અને વિવિધ કલાને પણ ઉત્તેજન આપ્યું. આવા, શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર ૪૯ વર્ષ રહ્યા અને પછી જેઠ સુદ દશમના દિવસે ગઢપુરમાં આ પૃથ્વી ઉપરથી મનુષ્યસ્વરુપે અંતર્ધાન થયા. પરંતુ આજે પણ તેમણે આપેલો જીવન સંદેશો અનેકની જીવન કેડીને કંડારે છે. તા. ૫ જૂન જેઠ સુદ-દશમ એટલે કે, આજે તેમનો ૧૯૫મો અંતર્ધાન દિવસ છે. તો આપણે તેમણે આપેલા જીવન સંદેશને વાંચીએ અને વિચારી અને અમલમાં મૂકી અધ્યાત્મિક માર્ગે આગળ વધીએ.

ભડલીમાં શ્રી હરિએ કહ્યું કે, અમૂલ્ય મનુષ્ય દેહ પામી પછી તેમાં ભૂલા ન પડવું. મનુષ્ય દેહ છૂટી ગયો તો સંસારરૂપી કુવામાં જ પડયો સમજવો. પછી ઉગર્યાનો કોઇ ઉપાય નથી. અનંત જન્મના પાપનો ભાર ઉતારવા મનુષ્ય દેહ મળ્યો તેમાં પણ જો પાપ કરે તો છૂટીયાનો ઉપાય ક્યાં રહે? જેને ભગવાન અને સંત મળે છે, તેને જ્ઞાાન થાય છે અને પછી તે ભક્તિ અને સત્સંગ કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી શકે છે. તેથી ભક્તિ અને સત્સંગ કરવો...

કારીયાણીમાં શ્રી હરિએ કહ્યું કે, જીવ અનંત રુચિ ધરાવે છે, પણ ભગવાન ભજવાની રૂચી કરતો નથી. તેથી સંસારમાં વારંવાર ભટકે છે. માટે ભગવાન ભજવાની રૂચી કેળવવી જોઇએ. (કારીયાણી)

મેથાણમાં શ્રી હરિએ કહ્યું કે, એકાદશીનું વ્રત નિરંતર કરવું જોઇએ. દેવપોઢી, જળઝીલણી અને દેવઉઠી એ ત્રણ એકાદશી એ તો નકોરડો ઉપવાસ જ કરવો જોઇએ. બાકીની એકાદશીઓએ નકોરડો ઉપવાસ ના થાય તો ફલાહાર કરવું. પરંતુ એકાદશીના દિવસે અનાજ તો  ખાવું જ નહિ. એકાદશીના દિવસે અજાણતા પણ જે કોઇ અનાજ ખાય છે તો તે અમને છાતીમાં બાણ મારે તેવું વશમું લાગે છે.

જેતલપુરમાં શ્રી હરિએ કહ્યું કે, પાણી વિનાનું ખેતર બગડે, તેમ નિયમ વિનાનું કોઇપણ સદ્કાર્ય સિધ્ધ થતું જ નથી. જેમ ખેતરને વાડ કર્યા વિના અને તેની ખબર રાખ્યા વગર જે ખેતી કરે તેને કંઇ પણ પાક હાથમાં ન આવે. હરાયા પશુ તે ખાઈ જ જાય. તેમ નિયમ પ્રમાણે ભક્તિ કરવામાં આવે તો તે યથાર્થ ફળને આપનારી થાય છે. તેથી મન-ઇન્દ્રિયો પર કાબુ રાખવો અને સંતનો સમાગમ કરવો અને ભગવાનની ભક્તિ કરવી તો સત્સંગ રૂપી ખેતર સચવાઈ રહે.

બુધેજમાં શ્રી હરિએ કહ્યું કે, દ્રઢ ટેક ન હોય તો પલકમાં બધું ઉડી જાય. સરોવર જળથી ભર્યું હોય પણ પાળમાં થોડું કાણું પડે તો, જળ સ્ત્રવે. તેથી ધીમે-ધીમે તળાવની પાળો ધોઈ નાંખે. પછી બધુ પાણી ચાલ્યું જાય. તેમ સત્સંગ કરતાં - કરતાં ઘણા ગુણો પ્રાપ્ત કર્યા હોય પણ જો ઇન્દ્રીયો અને અંતકરણને વશ કરવામાં ન આવે, તેને નિયમમાં રાખવામાં ન આવે તો બધા ગુણો ચાલ્યા જાય.

સારંગપુરમાં શ્રી હરિએ કહ્યું કે, આપણે હવે ભગવાનના ભક્ત થયા તો ઇન્દ્રિયો-અંત:કરણ અને દેહને નિયમમાં રાખવા જોઇએ. નિયમમાં ન રાખે તેટલું દુ:ખ આવે છે. ભગવાનની ભક્તિ કરવા માટે મનને વશ કરવું જોઇએ. કારણ કે મન તો ચંચળ છે. જેમ પીપળાનું પાન, વીજળી, દીવાની શિખા, હાથીનો કાન, નદીનો પ્રવાહ, કુંભારનું ચક્ર અને વાયુ એ જેમ સ્થિર રહેતા નથી તેમ મન સદાય સ્થિર રહેતું નથી. તેથી મનને ભગવાનની ભક્તિમાં જોડીને વશ કરવું જોઇએ.

ગઢપુરમાં શ્રી હરિએ કહ્યું કે, જે માણસો અનીતિ કરે છે તે દુ:ખી જ થાય છે, નીતિવાળા માણસો જ સુખી થાય છે. જેવા વૃક્ષ તેવા ફળ આવે તેમ જે મનુષ્ય જેવા સંગમાં રહે છે તેવા ગુણ આવે છે. તેથી સદાયને માટે સારા માણસોનો સંગ કરવો.

વડતાલમાં શ્રીહરિએ કહ્યું કે, સર્વે સત્સંગી બાઈ-ભાઈએ પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી. ગાફલપણું રાખવું નહીં. જે અમારી શિક્ષાપત્રીની આજ્ઞાા પ્રમાણે નિયમ પાળશે તેને અમે અંતકાળે તેડવા માટે આવીશું. અને અમારા અક્ષરધામમાં લઇ જઇને દિવ્ય સુખ આપીશું.

જીવનમાં સુખી થવા માટે ધર્મ પાળવો જોઇએ. જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન વાસ કરીને રહે છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Related News

Icon