તાપી જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જીવનશૈલી પર અસર જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં વાહનવ્યવહાર પણ તાત્કાલિક પ્રભાવિત થયો છે. વિશેષ કરીને ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
માર્ગો પર પાણી ફરી વળતાં લોકોને મુશ્કેલી
તાલુકાના પંચોલથી પલાસીયા તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અહીંથી પસાર થનારા શિક્ષકો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કુલ 21 માર્ગો બંધ હાલતમાં છે, જેમાંથી માત્ર ડોલવણ તાલુકામાં 14 માર્ગો પર પાણી ફરી વળતાં બંધ કરાયા છે.
ઓલણ નદીમાં ઘોડાપુર, લોકો એલર્ટ
ભારે વરસાદને કારણે ડોલવણથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. તાપી ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો માટે ચિંતા વધતી જઈ રહી છે.
તંત્ર તત્પર, પરંતુ લોકોને ભારે હાલાકી
મુખ્ય માર્ગો બંધ થઈ જતાં શાળાઓના કર્મચારીઓ, દૂધ વાહકો અને રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા સતત મોનીટરિંગ ચાલુ છે અને તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.