
સબ ટીવીની લોકપ્રિય સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શો સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઈંગ ધરાવે છે. દર્શકો એપિસોડના દરેક પાત્ર વિશે જાણવાનું પસંદ કરે છે. લેટેસ્ટ એપિસોડમાં ભૂતનીનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે. જોકે, ફેન્સ ચોક્કસપણે તેમાં જેઠાલાલ અને બબીતાજીને મિસ કરી રહ્યા છે. તેમની ગેરહાજરીએ ચર્ચા જગાવી છે, શું બંનેએ શો છોડી દીધો છે. હવે અસિત કુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અસિત મોદીએ ઓનલાઈન ફેલાયેલી વાતોને અફવા ગણાવી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું, "શું તમે જાણો છો કે આજે સોશિયલ મીડિયા કેટલું ખરાબ છે? સોશિયલ મીડિયા ખૂબ જ નકારાત્મક બની ગયું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ખૂબ જ સકારાત્મક શો છે. તે એક પારિવારિક શો છે, તે ખુશી આપે છે. કેટલાક લોકોએ તેના વિશે સકારાત્મક રીતે વિચારવું જોઈએ. એવું નહીં કે કોઈપણ નાની વાત પર કોઈ અફવા ફેલાવો, કંઈપણ અનિચ્છનીય વાત કહો. તે સારી વાત નથી."
જેઠાલાલ અને બબીતાજીના શો છોડવા પર શું કહ્યું?
દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવા અંગે તેણે સ્પષ્ટતા કરી, "એવું કંઈ નથી, દરેક વ્યક્તિ અમારી ટીમનો ભાગ છે. તે સમયે કેટલાક વ્યક્તિગત કારણોસર તેઓ હાજર નહતા. તેથી, આવી કોઈ સમસ્યા નથી." તેણે વધુમાં ઉમેર્યું, "જ્યારે પણ હું કોઈને રૂબરૂ મળું છું અને તેઓ શો અથવા તેની વાર્તાઓ વિશે વાત કરે છે, ત્યારે હું તેને ખૂબ જ સકારાત્મક રીતે લઉં છું, કારણ કે દર્શકો જ અમારા માટે બધું છે. શો તેમની ખુશી માટે બનાવવામાં આવ્યો છે.”