
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે પ્રસ્તાવિત ટેરિફને 20% થી નીચે લાવી શકે છે. આ ટ્રેડ ભારતને આ ક્ષેત્રના અન્ય દેશો કરતાં વ્યાપારિક રીતે ઘણી સારી સ્થિતિમાં મૂકશે. અહેવાલો અનુસાર, અમેરિકા આ અઠવાડિયે ભારતને ટેરિફ વધારાની ઔપચારિક સૂચના આપશે નહીં, જ્યારે ઘણા અન્ય દેશોને 50% સુધીના અણધાર્યા ટેરિફના પત્રો મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પ પહેલાથી જ લગભગ 20 દેશોને ટેરિફ લાદવા અંગે પત્રો મોકલી ચૂક્યા છે. જેમાં ખૂબ જ કડક ચેતવણીઓ અને ધમકીઓ પણ આપી છે. જો કે ભારતને આવો કોઈ પત્ર મોકલવાનો ઈરાદો નથી. તેનું કારણ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો છે.
ભારત સાથે વેપાર કરાર થયા પછી ટેરિફ ૧૦થી ૨૦ ટકા વચ્ચે રહી શકે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશો સાથે ટ્રેડ વોર શરૂ કરી હોય તેમ સોમવારથી એક પછી એક દેશોને જંગી ટેરિફ નાંખવાના પત્રો મોકલી રહ્યા છે ત્યારે ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ભારત સાથે વેપાર કરાર થયા પછી ટેરિફ ૧૦થી ૨૦ ટકા વચ્ચે રહી શકે છે. ટ્રમ્પ તેનાથી વધુ ટેરિફ નહીં લગાવે. બ્રાઝિલના પૂર્વ પ્રમુખ બોલસોનારોની તરફેણ કરતાં ટ્રમ્પે બ્રાઝિલ ઉપર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે કેનેડા પર ૩૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. આ સાથે ટ્રમ્પે કેનેડાને વળતો ટેરિફ નહીં નાખવા ચેતવણી આપી છે. બીજીબાજુ બ્રાઝિલના પ્રમુખ લુલાએ ટ્રમ્પને રેસિપ્રોકલ ટેરિફની ધમકી આપી છે.
દરેક દેશને ટેરિફનો પત્ર મોકલવામાં આવે તે જરૂરી નથી
કેનેડા પર ટેરિફની જાહેરાત કરતી વખતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, દરેક દેશને ટેરિફનો પત્ર મોકલવામાં આવે તે જરૂરી નથી. તમારા માટે માત્ર એટલું જાણવું જરૂરી છે કે અમે અમારા ટેરિફ નક્કી કરી રહ્યા છીએ. અમે હજુ વધુ દેશો પર પણ ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છીએ, પરંતુ જે વેપાર ભાગીદારો છે તેમના પર આ ટેરિફ ૧૫થી ૨૦ ટકા સુધી જ હશે. એટલે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદો થઈ જાય તો ટેરિફ ૨૦ ટકાથી વધુ રહેવાની શક્યતા નથી.
ભારતીય ટીમ ફરી એક વખત અમેરિકા જશે
ભારત પર ટેરિફ અંગે ટ્રમ્પે નવા સંકેત આપતા કહ્યું કે, ભારત પર અમેરિકાના ટેરિફ ચીનના સરેરાશ ૫૧ ટકા અને બાંગ્લાદેશના ૩૫ ટકાથી વધુ નહીં હોય. અમેરિકાએ ચીનના અયોગ્ય વેપાર અંગે ટેરિફ નાંખ્યો છે અને કહ્યું કે, ચીન ૧૨ ઓગસ્ટ સુધીમાં સોદો નહીં કરે તો આગામી સમયમાં વધુ ટેરિફ લગાવવામાં આવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે હાલ વેપાર સોદો ઘોંચમાં પડયો હોવાનું મનાય છે. ભારતીય ટીમ ફરી એક વખત અમેરિકા જવાની છે અને ત્યાં અમેરિકન અધિકારીઓ સાથે આ ડીલ અંગે ચર્ચા કરશે. બંને દેશો વચ્ચે કૃષિ, ઓટો અને ડેરી ઉદ્યોગ અંગે મામલો અટક્યો છે.
કેનેડિયન ઉત્પાદનો પર ૧ ઑગસ્ટ ૨૦૨૫થી લાગુ થશે
બીજી બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા સામાન ઉપરનો ટેરિફ ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરવાની જાહેરાત કરી છે. આ ટેરિફ અમેરિકામાં પ્રવેશ કરનારા કેનેડિયન ઉત્પાદનો પર ૧ ઑગસ્ટ ૨૦૨૫થી લાગુ થશે. ટ્રમ્પે કેનેડાની જવાબી કાર્યવાહી અને વેપાર સોદામાં આવી રહેલા અવરોધોના જવાબમાં જંગી ટેરિફની જાહેરાત કરી છે. આ સાથે ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી છે કે તે અમેરિકા પર વળતી કાર્યવાહી કરતા ટેરિફ વધારશે તો અમેરિકા તેટલા પ્રમાણમાં ટેરિફ વધારી દેશે.પ્રમુખ ટ્રમ્પે ફેબુ્રઆરીમાં કેનેડા પર ૨૫ ટકા ટેરિફ નાંખ્યા હતા જ્યારે હવે ટેરિફ વધારીને ૩૫ ટકા કરવાનું કારણ ગણાવતા કહ્યું કે, કેનેડા વિશેષરૂપે અમેરિકામાં ફેન્ટેનાઈલ ડ્રગની ગેરકાયદે દાણચોરી અને અયોગ્ય વેપાર પ્રથાઓ પર સહયોગ નહીં કરી રહ્યું હોવાથી જંગી ટેરિફ લગાવાયો છે.
કેનેડા ૩૫ ટકા ટેરિફને કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને લખેલા પત્રની શરૂઆતમાં ટ્રમ્પે એ બાબત પર ભાર મૂક્યો કે અમેરિકા કેનેડાની સાથે પોતાના વ્યાપારિક સંબંધો ચાલુ રાખશે, પરંતુ તે સુધારાની શરતો પર હશે. વધુમાં કેનેડા વળતો ટેરિફ નાંખશે તો અમે એટલા જ પ્રમાણમાં ટેરિફ નાંખીશું, જે ૩૫ ટકા ટેરિફ સાથે જોડાઈ જશે. અગાઉ ટ્રમ્પના ૨૫ ટકા ટેરિફના જવાબમાં કેનેડાએ પણ વળતો ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. વધુમાં કેનેડાના ડિજિટલ ટેક્સને અમેરિકા વિરોધી ગણાવી ટ્રમ્પે કેનેડા સાથે વેપાર સોદાની વાટાઘાટો અટકાવી દીધી હતી. જોકે, ત્યાર પછી કેનેડાએ ડિજિટલ ટેક્સ પાછો ખેંચી લેતા વાટાઘાટો ફરી શરૂ થઈ હતી. હવે કેનેડા ૩૫ ટકા ટેરિફને કેવો જવાબ આપે છે તે જોવાનું રહેશે.
બ્રાઝિલમાંથી આયાત થતી વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ
ટ્રમ્પે આ સપ્તાહમાં અનેક દેશોને ટેરિફના પત્રો મોકલ્યા છે. એ જ રીતે ટ્રમ્પે બ્રાઝિલમાંથી આયાત થતી વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે બ્રાઝિલ ઉપર ૫૦ ટકા અને અન્ય સાત દેશો પર ૨૦થી ૩૦ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જોકે, બ્રાઝિલ પર ટેરિફ નાંખવાની સાથે ટ્રમ્પે પ્રમુખ લૂલાને સંબોધન કરતા એક પત્રમાં બ્રાઝિલના પૂર્વ પ્રમુખ જેર બોલસોનારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીને 'આંતરરાષ્ટ્રીય અપમાન' ગણાવ્યું હતું. વર્ષ ૨૦૨૨માં બોલસોનારો પ્રમુખપદની ચૂંટણી હારી જતાં તેમણે લુલા પાસેથી સત્તા આંચકી લેવા તખ્તાપલટનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સૈન્યનું સમર્થન ના મળતા તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ટ્રમ્પે આ ટેરિફને બ્રાઝિલની ચૂંટણી સ્વતંત્રતા અને અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેન્શરસિપ વિરુદ્ધ કાર્યવાહી ગણાવી હતી.
અમેરિકાને બ્રાઝિલ સાથે વેપારમાં ૪૧૦ અબજ ડોલરનો ટેક્સ મળ્યો
બીજીબાજુ બ્રાઝિલના પ્રમુખ લુઈસ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ ટ્રમ્પને વળતો જવાબ આપતા કહ્યું કે, બ્રાઝિલ એક સંપ્રભુ રાષ્ટ્ર છે, જેની સ્વતંત્ર સંસ્થાઓ છે અને તે કોઈપણ પ્રકારના વિદેશી હસ્તક્ષેપને સાંખી નહીં લે. ટ્રમ્પના વેપાર ખાધના દાવાને 'ખોટો' ગણાવતા લુલાએ કહ્યું કે છેલ્લા ૧૫ વર્ષમાં અમેરિકાને બ્રાઝિલ સાથે વેપારમાં ૪૧૦ અબજ ડોલરનો ટેક્સ મળ્યો છે. તેમણે ચેતવણી આપી કે ટ્રમ્પ દ્વારા એકતરફી ટેરિફ વૃદ્ધિનો જવાબ બ્રાઝિલ ઈકોનોમિક રેસિપ્રોકલ ટેરિફ હેઠળ આપશે અને બ્રાઝિલ અમેરિકાના ઉત્પાદનો પર વળતો ૫૦ ટકા ટેરિફ નાંખશે.