
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી યુએસમાં આયાત પર 27 ટકા ટેરિફ રેટની જાહેરાત કર્યા બાદ ગુરુવારે (3 એપ્રિલ) ભારતીય શેરબજારોમાં ઘટાડો થયો હતો. ટ્રમ્પની આ જાહેરાત બાદ હેવીવેઈટ આઈટી શેરો પર દબાણ જોવા મળ્યું હતું જેના કારણે બજાર લપસી ગયું હતું. ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ આજે 700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 75,811 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 75,807.55 પોઇન્ટ લપસી ગયો હતો. જોકે, ફાર્મા શેરોમાં ઉછાળાને કારણે ઇન્ડેક્સમાં થોડી રિકવરી જોવા મળી હતી. અંતે, સેન્સેક્સ 322.08 પોઈન્ટ અથવા 0.42% ઘટીને 76,295.36 પર બંધ થયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે 23,150.30 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 23,145.80 પોઈન્ટની નીચી સપાટીએ ગયો હતો. ઈન્ડેક્સ છેલ્લે 82.25 પોઈન્ટ અથવા 0.35% ઘટીને 23,250 પર બંધ થયો હતો.
આજના ટોપ ગેનર્સ
ગુરુવારે નિફ્ટી 50માંથી સૌથી મોટો ઉછાળો પાવર ગ્રીડના શેરમાં નોંધાયો હતો. સન ફાર્મા 3.29 ટકાના ઉછાળા સાથે રૂ. 1770 પર બંધ થયો. સિપ્લાના શેરમાં 2.99% ના ઉછાળા સાથે 1496ના સ્તરે બંધ રહ્યો.
આજના ટોપ લૂઝર્સ
ટીસીએસના શેરમાં 3.98% નો જંગી ઘટાડા સાથે 3403ના સ્તરે બંધ થયો છે. આ સિવાય ટેક મહિન્દ્રા, એચસીએલ, ઈન્ફોસિસ સહિતની ટેક કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ONGCનો શેર 2.93% નબળો પડીને 243.31ના સ્તરે બંધ થયો હતો.
આઇટી શેરોમાં ઘટાડો
ટ્રમ્પે ભારત સહિત 180 દેશો પર નવા ટેરિફ લાદવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. જેના પગલે અમેરિકન બજાર પર નિર્ભર મોટાભાગની સ્થાનિક આઇટી કંપનીઓના શેર તૂટ્યા છે. ટીસીએસમાં સૌથી વધુ 4 ટકા જેટલો ઘટીને બંધ થયો. એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રાના શેર પણ 4 ટકા તૂય્યા છે.
નિફ્ટી ફાર્મામાં તેજી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 26 ટકા ટેરિફ લગાવ્યા બાદ ફાર્મા શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આનું કારણ એ છે કે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને પારસ્પરિક ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નિફ્ટી ફાર્મા ટ્રેડિંગ દરમિયાન 4.9 ટકા વધીને 21,996.6ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
એશિયન બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 3 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.48 ટકા અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 1.62 ટકા ઘટ્યો હતો.
ટ્રમ્પે ભારત પર 27% ઈમ્પોર્ટ ટેરિફ લાદી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત અને અન્ય દેશોમાંથી તમામ આયાત પર 'પારસ્પરિક ટેરિફ' લાદવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ભારતની ટેરિફ નીતિઓ "ખૂબ કડક" છે. એટલે અમેરિકા ભારતમાંથી તમામ આયાત પર 26 ટકા ડ્યૂટી લાદશે, જે ભારત દ્વારા અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવતી ડ્યૂટી કરતાં અડધી છે.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આયોજિત એક કાર્યક્રમમાં ટ્રમ્પે વિવિધ દેશો પર 10 ટકાથી 50 ટકા સુધીની આયાત જકાત લાદવાની જાહેરાત કરી હતી. આમાં ચીન પર 34 ટકા (પહેલેથી જ લાદવામાં આવેલ 20 ટકા સહિત) કુલ ડ્યૂટી 20 ટકા યુરોપિયન યુનિયન પર, 24 ટકા જાપાન પર અને 25 ટકા દક્ષિણ કોરિયા પર લાદવામાં આવી છે.
વૈશ્વિક બજારોની ગતિવિધિઓ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ના વેપાર અને નિફ્ટીની એફએન્ડઓ એક્સપાયરી કે સમાપ્તિને કારણે પણ ભારતીય શેરબજારની મુવમેન્ટને અસર થઈ શકે છે.
બજારમાં કેમ થયો ઘટાડો
જણાવી દઈએ કે ગઈ કાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર 26% ટેરિફ લગાવ્યા બાદ બજારમાં દબાણ જોવા મળ્યું હતું. ટ્રમ્પના નિર્ણયની સૌથી વધુ અસર આઈટી અને ઓટો શેરો પર જોવા મળી, કારણ કે આ બંને સેક્ટરની કમાણીનો એક હિસ્સો અમેરિકન માર્કેટમાંથી પણ આવે છે.