
એક વર્ષમાં ટ્યુબરક્યુલોસિસ (TB) ના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. જોકે, છેલ્લા 8 વર્ષમાં TBના મૃત્યુદરમાં 37%, નવા કેસના પ્રમાણમાં 34% ઘટાડાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન TBના 1.39 લાખ કેસ નોંધાયા હતા. TB.ના સૌથી વધુ કેસ મામલે ઉત્તર પ્રદેશ 6.81 લાખ સાથે મોખરે હતું. એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34% અને મૃત્યુદરમાં 37% નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
કોરોના કરતાં પણ TBની વધુ ઘાતકતા
છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાતમાં TBના નવા દર્દીઓ રજીસ્ટ્રેશનમાં વર્ષ 2022 માં 1,42,133, વર્ષ 2023 માં 1,33,799, વર્ષ 2024 માં 1,33,805 નોંધણી થઇ છે. જેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા જોતા વર્ષ 2022 માં 1,30,438, વર્ષ 2023 માં 1,22,588 અને વર્ષ 2024 માં 1,24,971 TBની બિમારીને મ્હાત આપીને સાજા થયા છે. વર્ષ 2025 માં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 45,282 નવા ટી.બી.દર્દીઓ નોંધાયા છે. મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા 1011 છે. જે વર્ષ 2024-25 માં આ સમયગાળા દરમિયાન 2201 હતી.
છેલ્લા 3 વર્ષમાં TBના 4.09 લાખ કેસ નોંધાયા
આમ, TBના કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટી.બી.ના દર્દીઓ સ્વસ્થ થાય અને મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોટોકોલ તૈયાર કરાયો છે. જેમાં ટીબી નિદાનના તમામ તબક્કામાં દર્દીઓને અતિજોખમી અને ઓછા જોખમીની શ્રેણીમાં વિભાજીત કરાય છે. અતિ જોખમી TBના દર્દીઓની સારવાર માટે સબ ડિસ્ટ્રીક્ટથી મેડિકલ કાલેજ સંલગ્ન હોસ્પિટલ સુધી તમામ પ્રકારની સારવાર, ઉપલબ્ધ કરાવવામાં દવા શરૂ થવાના 15 દિવસ બાદ અને ત્યારબાદ 2 મહિના પછી સમગ્ર સ્થિતિનું મુલ્યાંકન કરવામાં આવે છે.