
13 વર્ષના સગીર વિદ્યાર્થીને ભગાડી જઈને સગીર સાથે શરીર સંબંધ બાંધીને સગર્ભા બનેલી તથા પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતી પુણાની 23 વર્ષીય આરોપી શિક્ષિકાએ પાંચ માસના ગર્ભને ટર્મિનેટ કરવા માટે કોર્ટની પરવાનગી માંગી છે.જેથી કોર્ટે તપાસ અધિકારીને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
ડીએનએ રિપોર્ટની તજવીજ
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા તથા કરિયાણાના દુકાનદારના 13 વર્ષના પુત્રને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને અલગ અલગ સ્થળોએ લઈ જઈને શરીર સંબંધ બાંધનાર 23 વર્ષીય આરોપી શિક્ષિકાની પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.આરોપી શિક્ષિકાના રિમાન્ડ દરમિયાન ઘટસ્ફોટ થવા પામ્યો હતો કે આરોપી સગીર વિદ્યાર્થીની સાથે બાંધેલા શરીર સંબંધના પગલે પાંચ મહીનાનો ગર્ભ રહી ગયો છે.જો કે ગર્ભના જૈવિક પિતા ભોગ બનનાર સગીર વિદ્યાર્થી છે કે કેમ તે અંગે ડીએનએનો રિપોર્ટ કઢાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.
ગર્ભને ટર્મિનેટ કરવા અરજી
જે દરમિયાન જેલવાસ ભોગવતા આરોપી શિક્ષિકાએ વાજીદ શેખ મારફતે પોતાના પાંચ માસના ગર્ભને ટર્મિનેટ કરવા માટે ગર્ભપાત અધિનિયમની કલમ-3 મુજબ કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે.જેમાં જણાવ્યું હતું કે તો ગર્ભપાત કરવામાં ન આવે તો અરજદાર તથા આવનાર બાળક માટે સ્વાસ્થ્ય માટે જોખમરૃપ સાબિત થાય તેમ છે.વધુમાં બાળક જન્મ લેશે તો તેનું ભરણ પોષણ કોણ કરશે?ફરિયાદ મુજબ બાળકના પિતાની વય 13વર્ષની અ છે એટલે જન્મ લેવાવાળા બાળકની સ્વીકાર્યતા નથી.તબીબી રિપોર્ટ મુજબ આરોપીની શરીરમાં લોહીની કમી હોવાના લીધે બાળક કુપોષિત અને એબનોર્મલ હોવાની સંભાવના છે.આરોપીનો ગર્ભ પોલીસના કહેવા મુજબ 20 અઠવાડીયાનો નથી. પરંતુ પાંચ માસનો ગર્ભ છે.જેથી તબીબી રિપોર્ટ મુજબ ગર્ભપાત કરાવવો જરૃરી હોઈ કોર્ટની પરવાનગી માંગી છે.અલબત્ત કોર્ટે તપાસ અધિકારીને નોટીસ ઈસ્યુ કરીને વધુ સુનાવણી સોમવાર સુધી મુલત્વી રાખી છે.