નવા સત્રનો પ્રારંભ થતાં જ સરકારી શળાઓમાં જોરશોરથી પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ મંત્રી, IAS, IPS અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. હકીકતમાં પ્રવેશોત્સવ એ માત્ર સરકારી તાયફો બની રહ્યુ છે તેનુ કારણ એ છે કે, ગુજરાતમાં શિક્ષણની સ્થિતી કથળી રહી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે. સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યાં છે. અનેક સરકારી શાળાઓમા એક વર્ગમાં બધા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. શિક્ષણની આવી ચિંતાજનક સ્થિતી સુધારવાને બદલે સરકાર મોટા ઉપાડે પ્રવેશોત્સવ ઉજવીને નવું સરકારી માર્કેટિંગ કરી રહી છે. એટલું જ નહીં, લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.

