અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. અમદાવાદ સિવિલ સુપ્રિટેડન્ટ સિવિલ હોસ્પિટલમાં આવેલા વર્ષો જૂના મંદિરને હટાવવા માટે ભૂવા પાસે પહોંચ્યા હતા અને વિધિ કરાવી હતી. સિવિલના સુપ્રિટેડન્ટનો દાણા જોવડાવતો વીડિયો સામે આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં મંદિર હટાવવા માટે ભૂવા પાસે પહોંચ્યા સુપ્રિટેડન્ટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂના ખોડીયાર માતાના મંદિરને ખસેડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. સિવિલના સુપ્રિટેડન્ટ રાકેશ જોષી સવારે 9 વાગ્યે માતાજીની રજા લેવા માટે પહોંચ્યા હતા જેમાં માતાજી દ્વારા મંદિર હટાવવાની મંજૂરી આપવામાં આવી નહતી.
શું છે ઘટના?
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં જૂની બિલ્ડિંગ તોડીને નવી બિલ્ડિંગ તૈયાર કરાશે, પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું મંદિરને ખસેડવું પડી શકે તેમ છે. જેનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશી આ મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે માતાજીની રજા લેવા માટે દાણા જોવડાવ્યા હતા. જોકે, મંદિરના પૂજારીએ ધૂણતા-ધૂણતા ના પાડી દીધી હતી.
અધિકારીઓ પોતાની વાહવાહી કરાવવા માટે ક્યારેક ના કરવાના કામો પણ કરતા હોય છે. તેવી રીતે જ પોતાને મહાન બનાવવાની ઘેલછામાં સિવિલ સુપ્રિટેડન્ટ મંદિર ખસેડવાની યોજના બનાવી રહ્યા છે. અંગ્રેજો કે જુના અધિકારીઓ પણ મંદિર ખસેડી શક્યા નથી તે મંદિર હાલના સુપ્રિટેડન્ટ ખસેડવા માંગે છે.સિવિલ હોસ્પિટલ બની તે પહેલા જ આ મંદિર બન્યું હતું અને તેને ખસેડીને પોતાના આકાઓને ખુશ કરવાની ઘેલછામાં ના કરવાની પ્રવૃતિ કરી રહ્યાં છે.
મહત્ત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લેતા દર્દી પાસે પહોંચી એક ભૂવાનો વિધિ કરતો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા હતા. હવે ખુદ સિવિલ સુપ્રિટેડન્ટ જ મંદિર ખસેડવા માટે ભૂવા પાસે પહોંચતા હોય તે કેટલું યોગ્ય છે.