
વિમ્બલ્ડન 2025માં, 38 વર્ષીય સર્બિયન અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અત્યાર સુધી ટેનિસ કોર્ટ પર શાનદાર ફોર્મમાં છે. 5 જુલાઈના રોજ, નોવાક જોકોવિચે પોતાના દેશબંધુ મિઓમીર કેકમાનોવિચ સામે ત્રીજા રાઉન્ડની મેચમાં સીધી જીત નોંધાવીને પોતાના કરિયરમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. જોકોવિચ હવે વિમ્બલ્ડન ઈતિહાસમાં 100 મેચ જીતનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે.
જોકોવિચ હવે આગામી રાઉન્ડમાં એલેક્સ ડી મિનૌર સામે ટકરાશે
નોવોકા જોકોવિચે વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં મિઓમીર કેકમાનોવિચ સામે રમાયેલી મેચ 6-3, 6-0 અને 6-4થી જીતીને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જોકોવિચનો સામનો એલેક્સ ડી મિનૌર સામે થશે. વિમ્બલ્ડનના ઈતિહાસમાં, નોવાક જોકોવિચ પહેલા, નવ વખત વિમ્બલ્ડન સિંગલ્સ ચેમ્પિયન રહેલા નવરાતિલોવાએ 120 મેચ જીતી હતી, જ્યારે આઠ વખતના ચેમ્પિયન ફેડરરે 105 સિંગલ્સ મેચ જીતી હતી, હવે આ લિસ્ટમાં જોકોવિચનું નામ પણ સામેલ છે.
જોકોવિચે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે પોતાના 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલમાંથી સાત જીત્યા છે. છેલ્લા 8 વર્ષથી, જોકોવિચે વિમ્બલ્ડનમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. જેમાં તે આ સમયગાળા દરમિયાન ફક્ત કાર્લોસ અલ્કારાઝ સામે જ હાર્યો છે. જોકોવિચે પોતાની સિદ્ધિ વિશે કહ્યું કે, "મારી પ્રિય ટૂર્નામેન્ટમાં હું જે પણ રેકોર્ડ બનાવીશ તેના માટે હું તમારા બધાનો આભારી છું."