
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે જણાવ્યુ, આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. આ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે છતરૂના શિંગપુરા વિસ્તારમાં આતંકવાદી હોવાની જાણ થતા જ તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને શંકાસ્પદ આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. વ્હાઇટ નાઇટ કોરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, 'આજે સવારે કિશ્તવાડના છતરૂમાં પોલીસ સાથે સંયુક્ત અભિયાન દરમિયાન આતંકવાદીઓ સામે અથડામણ થઇ હતી.'
આ ઓપરેશનને સેનાએ ઓપરેશન ત્રાશી નામ આપ્યુ
મળતી માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદ (JEM)ના ત્રણથી ચાર આતંકવાદી છુપાયા હોવાના સમાચાર છે. આ ઓપરેશનને સેનાએ ઓપરેશન ત્રાશી નામ આપ્યુ છે. આ સાથે જ સંયુક્ત દળોએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ વર્કસ અને સમર્થકો વિરૂદ્ધ આક્રમક અભિયાન ઝડપી કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યુ કે આ અભિયાન 22 એપ્રિલ બાદ ઝડપી બનાવવામાં આવ્યું છે જ્યારે લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓએ પહેલગામની બૈસરન ઘાટીમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી.
સિંહપોરા, ચતરુ વિસ્તારમાં 4થી વધુ આંતકીઓને ઘેર્યા છે. બે આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જણાવી દઈએ કે, જમ્મુ -કાશ્મીર પોલીસે મંગળવાર, 20 મેના રોજ પાકિસ્તાન સ્થિત ચાર આતંકવાદી હેન્ડલરોની મિલકતો જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં કરવામાં આવી હતી.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોપોર વિસ્તારમાં ત્રણ અને અવંતીપોરામાં એક મિલકત જપ્ત કરવામાં આવી છે. સોપોરમાં જે આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં અર્શીદ અહમદ ટેલી (રહે. નવપોરા તુજ્જર), ફિરદોસ અહમદ ડાર ઉર્ફે ઉમર ડાર અને નઝીર અહમદ ડાર ઉર્ફે શબીર ઇલાહી (બંને રહેવાસીઓ હરવાન)નો સમાવેશ થાય છે.