
પાકિસ્તાને શુક્રવારે એક મોટો દાવો કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને તેમની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે.
પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે 2 અને 3 જુલાઈની રાત્રે, સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના હસન વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓનો સામનો કર્યો અને માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
તાજેતરમાં, પાકિસ્તાને સુરક્ષા જોખમોને કારણે અફઘાનિસ્તાન સાથેની એક મુખ્ય સરહદ આગામી આદેશ સુધી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા પ્રાંતમાં અથડામણ બાદ ગુલામ ખાન સરહદ બંધ કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે, શનિવારે ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. અફઘાન સરકારના સરહદી દળોના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ રવિવારે સરહદ બંધ કરવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ આ પગલા માટે કોઈ સ્પષ્ટ સમજૂતી આપી નથી.