
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. મધરાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. 2 વાગ્યે રાત્રે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલા સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતાં. ઝાડ પડવાની સાથે વીજપોલ પણ ધરાશાયી થયા હતાં. ખેતીમાં કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.હનીપાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી ઉપર સોલાર પડ્યું હતું.
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો
સુરતમાં રાત્રે બે વાગ્યે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો. શરૂઆતમાં અડાજણ, ચોક, અઠવાલાઇન્સ વિસ્તારથી શરૂ થયા બાદ પીપલોદ, વેસુ લીંબાયત ઉધના સહિતના વરસાદના વરસાદ શરૂ થયો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકાળાટ અનુભવી રહ્યા હતા. છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી હતી.
ઉનાળુ પાકને નુકસાન
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમોસમી વરસાદ થતા જ જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક પૈકી ડાંગરનો પાક હોય છે. જેથી મોટાભાગના ખેતરોમાં ડાંગરના ઉભા પાકની કાપણી શરૂ કરવામાં આવી હતી. જો કે વરસાદ પડવાથી ડાંગરના પાકને નુકસાન થયું છે. તેમજ વધુ પવન ફૂંકાવવાને કારણે ડાંગર જમીનદોસ્ત પણ થઈ ગયું હતું. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ નુકસાન થવાની પૂર્ણ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તલ અને શાકભાજીના પાકને પણ વરસાદના કારણે નુકસાન થશે.
ટ્રેન વ્યવહાર ઉપર પણ અસર દેખાય
દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતાની સાથે જ ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હોવાનું સામે આવ્યું હતું. ઘણી ખરી ટ્રેનો તેના નિયત સમય કરતા વિલંબથી દોડતી જણાઈ હતી જેને કારણે સુરત રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓની ભીડ જોવા મળી હતી. વરસાદી માહોલ હોવાને કારણે હજી પણ જનજીવન ઉપર તેની અસર દેખાય તેવી શક્યતા છે.