
Toll Plaza : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવવા માટે કેન્દ્ર સરકાર ઝડપી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં નવી ટૉલ પોલિસી રજૂ કરવામાં આવશે.
નવી ટૉલ પોલિસી જાહેર કરાશે : નીતિન ગડકરી
ગડકરીએ મુંબઈના દાદરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, આગામી 15 દિવસમાં નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે. જોકે તેમણે પોલિસીની માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો છે, પરંતુ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, નવી પોલિસી જાહેર થતાં જ ટૉલ સંબંધીત તમામ ફરિયાદો ખતમ થઈ જશે.
મુંબઈ-ગોવા હાઈવે જૂન સુધીમાં તૈયાર થઈ જશે’
આ સાથે કેન્દ્રીય મંત્રીએ મુંબઈ-ગોવા હાઈવેની કામગીરી અંગે વિશ્વાસ સાથે કહ્યું કે, ’આ હાઈવે જૂન-2025 સુધીમાં સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ હાઈવે પરથી રોજબરોજ પસાર થતા પ્રવાસીઓ, ખાસ કરીને કોંકણ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે.’ તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જમીન અધિગ્રહણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા અને પારિવારિક ઝઘડાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. આ ઉપારંત અનેક મામલાઓમાં વળતર ચૂકવવામાં સમસ્યા થઈ, જેના કારણે નિર્માણ કાર્ય અટકતું રહ્યું હતું. જોકે હવે આ તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.