તાજેતરમાં મુંબઈ મેટ્રોની યલો લાઇન પર એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં એક 2 વર્ષનો બાળક પોતાનો જીવ જોખમમાં મૂકીને હેમખેમ બચ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે બાળક કોચમાંથી બહાર નીકળીને મેટ્રોનો દરવાજો બંધ થાય તે પહેલાં પ્લેટફોર્મ પર પહોંચ્યો, જ્યારે તેના માતાપિતા ટ્રેનની અંદર જ રહ્યા. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં મેટ્રો સ્ટાફની ઝડપી કાર્યવાહી અને સતર્કતાની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી. પરંતુ દરવાજા બંધ થવા લાગ્યા કે તરત જ એક બાળક કોચમાંથી અચાનક બહાર નીકળી ગયું. આ જોઈને પ્લેટફોર્મ પર હાજર મેટ્રો સ્ટાફ તરત જ એક્શનમાં આવ્યો, અને વિલંબ કર્યા વિના ટ્રેન ઓપરેટરને ચેતવણી આપી, જેણે તરત જ ટ્રેન રોકી દીધી. વિડિયોમાં મેટ્રો સ્ટાફ ઝડપથી બાળક તરફ દોડતો જોઈ શકાય છે. આ દરમિયાન ટ્રેનના દરવાજા ફરી ખુલે છે અને બાળકના ચિંતિત માતાપિતા તેને કોચની અંદર સુરક્ષિત રીતે ખેંચી લે છે.