
બ્રિટનની એક કંપનીને વર્ક ફ્રોમ હોમની માગ ફગાવવાનું ભારે પડ્યું છે. કંપનીએ એક ગર્ભવતી મહિલા કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરવાની મંજૂરી ન આપતાં તેને રૂ. એક કરોડનું વળતર ચૂકવવુ પડ્યું છે. બર્મિંગમ સ્થિત રોમન પ્રોપર્ટી ગ્રૂપ લિ.માં કામ કરતી પાઉલા મિલુસ્કાને ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત પડકારો નડ્યા હતાં. જેથી તેણે તે સમયે કંપની પાસે ઘરેથી કામ કરવાની મંજૂરી માગી હતી. જો કે, કંપનીએ તેને મંજૂરી તો ન આપી પરંતુ તેને નોકરીમાંથી પણ હાંકી કાઢી હતી.
પાઉલાએ કર્યો કેસ
પાઉલા મિલુસ્કાની વર્ક ફ્રોમ હોમની મંજૂરી રદ કરવાની સાથે કંપનીએ તેને નોકરીમાંથી પણ બરતરફ કરવામાં આવતાં તેણે કંપની વિરૂદ્ધ કેસ ફટકાર્યો હતો. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યૂનલે પાઉલાને કામમાંથી હાંકી કાઢવાના પગલાંને ભેદભાવપૂર્ણ દર્શાવ્યું હતું. જેના લીધે કંપનીને 94000 પાઉન્ડ અર્થાત રૂ. એક કરોડનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો.
પાઉલા માર્ચ, 2022માં રોમન પ્રોપર્ટી ગ્રૂપ લિ.માં જોડાઈ હતી. તેણે તે વર્ષે ઓક્ટોબરમાં બોસને પોતાની ગર્ભાવસ્થાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. નવેમ્બરમાં તેને સિરિયસ મોર્નિંગ સિકનેસ થયુ હતું. સ્વાસ્થ્ય સંબંધિત પડકારોના કારણે ઓફિસમાં આવી કામ કરવું મુશ્કેલ બન્યું હતું. જેથી ડોક્ટરની સલાહ મુજબ તેણે કંપની સમક્ષ ઘરેથી કામ કરવાની મંજૂરી માગી હતી. જેને કંપનીએ ફગાવી દીધી હતી. તેમજ તેને નોકરીમાંથી પણ કાઢી મૂકી હતી. ટ્રિબ્યૂનલે ગર્ભાવસ્થાના કારણે કંપનીમાંથી કાઢી મૂકવાના પગલાંને ગેરકાયદે ગણાવ્યું હતું. જેથી કર્મચારીને વળતર આપવા આદેશ આપ્યો હતો.