
ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે. ત્યારે પાકિસ્તાન સહિત તેને સપોર્ટ કરનારા દેશ પ્રત્યે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તુર્કી સહિતના દેશોની લોકોએ યાત્રાથી લઈને વેપાર પણ બંધ કરી દીધો છે. આ સમયે સુરતમાં તુર્કીવાડ વિસ્તાર છે. સાથે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાન નામના પણ વિસ્તારો છે. ત્યારે આ ભારત વિરોધી દેશોના નામથી આવેલા વિસ્તારોના નામ બદલવા સાંસદે માગ કરતો પત્ર પાલિકા કમિશનરને લખ્યો છે.
દુશ્મન દેશોના નામ ચલાવી ન લેવાય
પત્રમાં સાંસદે લખ્યું કે, આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે સુરત શહેરના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે. જે ભારતના દુશ્મન દેશો છે. જે દેશો ભારતની આતંકવાદને, કટ્ટર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન અને સપોર્ટ આપી દેશમાં અસ્થિરતા સર્જતા હોય તેમ જ દેશની એકતા અને અખંડિતતા ને જોખમ રૂપ હોય એવા દેશોના નામકરણ કેમ ચલાવી લેવાય ?
જવાનોના સાહસને બિરદાવતા નામ જરૂરી
આજે શહેરમાં ઘણા વિસ્તારો તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન એવા દેશનાં કટર દુશ્મન દેશોના નામથી ઓળખાય છે. જે દેશના વીર જવાનોનું અપમાન છે. સુરતીઓનું અપમાન છે. એક બાજુ પહેલગામમાં પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓ દ્વારા કાયરતા યુક્ત કૃત્ય બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના વીર જવાનો સાહસ અને શોર્ય બતાવી આતંકવાદીઓની કતલે આમ કરતા હોય, તેઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરતા હોય ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં આવા પ્રકારના નામકરણ બિલકુલ પણ ચલાવી લેવામાં આવશે નહીં.
રાષ્ટ્રવાદી નામ આપવા માગ
આથી મારી માંગણી છે કે સમગ્ર શહેરમાં જે કોઈ વિસ્તારો તુર્કીવાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાંખી નવા ઉચિત પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવા નવા ઉચિત રાષ્ટ્રવાદી નામોથી નવા નામકરણ કરવાની કાર્યવાહી ઝડપથી કરવી.