
ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર સંકુલમાં ભીષણ આગ લાગી હતી. શંખ દ્વાર પાસે આવેલી એક ઓફિસની બેટરીમાં આ આગ લાગી હતી. આગ એટલી ભયાનક છે કે કાળા ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાય છે. આ ઘટનાથી મંદિર પરિસરમાં ચકચાર મચી ગઈ છે.
હાલમાં ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
મંદિર પરિસરમાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું કે બપોરે અચાનક શંખ દ્વાર પાસે આવેલી એક ઓફિસમાં શોર્ટ સર્કિટ થયો. જેના કારણે આગ લાગી હતી. મંદિર પરિસરમાં રહેલા લોકો કંઈ સમજી શક્યા ત્યાં સુધીમાં આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. આગની તીવ્રતા જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. આગને કારણે ભક્તોને મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી. આગ ઓલવવા માટે મંદિરના કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.