
યુક્રેનની સુરક્ષા સેવા (SBU) એ મંગળવારે એક અનોખા અને મોટા ઓપરેશનમાં ત્રીજી વખત ક્રિમિયન બ્રિજ પર હુમલો કર્યો. આ વખતે યુક્રેને પાણીમાં રહેલા પુલના પીલ્લરો ઉપર વિસ્ફોટક લગાવીને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. SBU એ કહ્યું કે આ ઓપરેશનમાં 1,100 કિલો TNT વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સવારે 4:44 વાગ્યે થયો હતો. SBU એ કહ્યું કે તેઓએ આ ખાસ ઓપરેશનમાં મહિનાઓની સખત મહેનત કરી. આ હુમલો ક્રિમિઅન બ્રિજના ડૂબેલા ભાગોને ટાર્ગેટ કરીને પુલના પાયાને નબળો બનાવી ઉડાડવાનો પ્રયાસ કર્યો છે.
ક્રિમિઅન બ્રિજ કેર્ચ બ્રિજ તરીકે પ્રખ્યાત
ક્રિમિઅન બ્રિજ કે જેને કેર્ચ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. રશિયા અને ક્રિમિઅનને જોડતો આ એક મહત્વપૂર્ણ રોડ અને રેલ બ્રિજ છે. તે 2014 માં રશિયા દ્વારા ક્રિમિઅન પર કબજો કર્યા પછી બનાવવામાં આવ્યો હતો. જેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પુલ રશિયા માટે ઘણી રીતે મહત્વપૂર્ણ છે. યુદ્ધ દરમિયાન પણ રશિયાએ આ પુલ દ્વારા યુક્રેન સામે લડવા મોટી માત્રામાં શસ્ત્રો અને સૈનિકો પૂરા પાડ્યા છે.
અગાઉ બે વખત આ પુલને નિશાન બનાવી ચૂક્યું છે યુક્રેન
બ્રીજ ઉપરના હુમલા અગાઉ બે વખત અહીં ટાર્ગેટ કરાયો હતો. અગાઉ 8 ઓક્ટોબર, 2022 ના રોજ આ પુલ પર એક ટ્રક વિસ્ફોટ થયો હતો, જેનાથી સખત આગ લાગી હતી. જુલાઈ 2023માં બીજો હુમલો થયો હતો જેમાં પુલના બે ભાગ નાશ પામ્યા હતા. ત્યારે SBU ચીફ વાસિલ મલિકે પુષ્ટિ કરી હતી કે, આ ઓપરેશનમાં સમુદ્રી ડ્રોન 'સી બેબી'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, SBU એ તેની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે, "યુક્રેનની સેનાએ ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ વખતે ત્રીજી વખત પાણીની અંદર ક્રિમિઅન બ્રિજના પીલરને ટાર્ગેટ કર્યા હતા. આ પહેલા યુક્રેને રશિયાના પરમાણુ-સક્ષમ વ્યૂહાત્મક બોમ્બર્સ કાફલા ઉપર હવાઈ હુમલો કર્યો હતો.