
દર્શકો જ્યારે 'કિલ બિલ' વિશે વિચાર કરે છે ત્યારે તેમને ઠંડી ક્રૂરતા સાથે દુશ્મનોને કાપી નાખતી નિર્દયી દુલ્હન તરીકે અવિસ્મરણીય પરફોર્મન્સ આપનાર ઉમા થર્મનને યાદ કરે છે. ઉમાનું ચિત્રણ ખરેખર આઈકોનિક હતું. જોકે તેના ચાહકોને જે ન દેખાયું તે હતી કેમેરા પાછળની વરવી વાસ્તવિકતા. પડદા પાછળ જે બન્યું તે ફિલ્મના દૃશ્ય જેવું જ ડરામણું હતું અને આ વાત ડિરેક્ટર ક્વેન્ટીન ટેરેન્ટીનોએ વર્ષો સુધી ગુપ્ત રાખવાનો પ્રયાસ કર્યો.
થર્મન અને ટેરેન્ટીનોની રચનાત્મક ભાગીદારી 'પલ્પ ફિક્શન' થી શરૂ થઈ હતી. 'કિલ બિલ' માં ટેરેન્ટીનોએ શૈલી અને વાર્તા કહેવાની રીતમાં પૂરી મહેનત લગાવી દીધી હતી, જ્યારે થર્મને તેના રોલની શારીરિક અને ભાવનાત્મક તીવ્રતામાં ઝંપલાવી દીધું તે સાચું, પણ સેટનો માહોલ ઉમા માટે ટોક્સિક અને અસુરક્ષિત પૂરવાર થયો. શૂટીંગ શરૂ થયા પહેલાં જ ઉમાએ મિરામેક્સ સ્ટુડિયોના સહસ્થાપક હાર્વે વેઇન્સ્ટેઇનના આક્રમક વર્તનનો ત્રાસ ચૂપચાપ સહન કરવો પડયો હતો. અરે, લંડનની હોટેલ રૂમમાં હાર્વેએ ઉમા પર જાતીય હુમલો કર્યો હતો. એ ઉમાને શારીરિક અને માનસિક એમ બંને સ્તરે ત્રાસ આપતો હતો.
શૂટિંગ શરૂ થયા પછી પણ હાલત કંઈ બહુ સારી નહોતી. સૌથી ભયંકર ઘટના પેલા સીનના શૂટિંગ દરમિયાન બની કે જેમાં ઉમા એક ખખડી ગયેલી કારને સાંકડા ગંદા માર્ગ પરથી લઈ જઈ રહી છે. ઉમાએ ડિરેક્ટરને વારંવાર કહ્યું કે આ કાર ગમે ત્યારે દગો દે તેમ છે, પણ ક્વેન્ટીન ટેરેન્ટિનો એક જ વાત કરતા રહ્યા: અરે, કશું નહીં થાય. તું ચિંતા ન કર.
...પણ જેનો ડર હતો એવું જ થયું. શોટ દરમિયાન કારે નિયંત્રણ ગુમાવ્યું અને રસ્તા પરથી ફંટાઈને તે તાડના ઝાડ સાથે જોરદાર રીતે ટકરાઈ ગઈ. આ અકસ્માતથી ઉમાની ગરદન અને ઘૂંટણો પર કાયમી ઈજાઓ થઈ, જેના નિશાન હજી પણ તેના શરીર પર મોજૂદ છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કંડારાઈ ગઈ હતી. ઉમાએ કહ્યું: મારે જાણવું છે કે કોની ભૂલને કારણે આ એક્સિડન્ટ થયો છે, મને તમે ફૂટેજ આપો. ક્વેન્ટીન ટેરેન્ટિનોએ ચોખ્ખી ના પાડી દીધી.
આ વાત વર્ષો પછી બહાર આવી ત્યારે ઉમા થર્મનના ચાહકોને આશ્ચર્ય અને આઘાત બંને લાગ્યા હતા. ઉમાની કામ પ્રત્યેની નિષ્ઠા કેટલી જબરદસ્ત હોવી જોઈએ કે આવી હાલતમાં પણ તેણે ફિલ્મ પૂરી કરી, એટલું જ નહીં, એવો અદભુત અભિનય કર્યો કે 'કિલ બિલ' ઓલ ટાઈમ ગ્રેટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ.