વિસાવદરમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર પ્રહાર કર્યા છે. ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિ બાદ આમ આદમી પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, સીઆર પાટીલ વિસાવદર ચૂંટણીમાં હારની ખીજ ઉતારી રહ્યાં છે, તાકાત હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવે. ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવાની દુકાન માત્ર સીઆર પાટીલ જ ચલાવે છે.
ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવાની દુકાન પાટીલ ચલાવે છે- ગોપાલ ઇટાલિયા
વિસાવદરમાં વિધાનસભા ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, "વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સીઆર પાટીલને શરમજનક રીતે અને ભુંડી રીતે હરાવ્યા એ વાતથી તેમને ગુસ્સો આવ્યો છે.સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખી અને આ આખો કાંડ કરાવી રહ્યાં છે. મારી સીઆર પાટીલને એક જ ચેલેન્જ છે કે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવા-ફોડવાની દુકાન માત્ર સીઆર પાટીલ ચલાવે છે.ઉમેશ મકવાણા જો ભાજપમાં જવાનો અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી ભાજપનું કામ કરવાનું વિચારતો હોય તો તેની પાછળનો દોરી સંચાર સીઆર પાટીલના હાથમાં છે."
ગોપાલ ઇટાલિયાએ સીઆર પાટીલને ચેલેન્જ આપતા કહ્યું કે, "સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે આ બધા કૃત્ય કરવાના બદલે પાટીલમાં હિમ્મત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં પછી જોઇએ કે સીઆર પાટીલમાં કેટલો દમ છે.વિસાવદર વિધાનસભા ચૂંટણીની ખીજ-દાજ સીઆર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એટલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી જોઇએ કે શું થાય છે.પાટીલના દમ પર ઉમેશ મકવાણા મોટી મોટી વાતો કરે છે. પાટીલની જે સ્ક્રિપ્ટ આવે તે પ્રમાણે ઉમેશ મકવાણા બોલે છે."
ઉમેશ મકવાણાને AAPએ સસ્પેન્ડ કર્યા
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દંડક-જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું.