
PM મોદી સરકારે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરે છે. સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે 2010માં સંસદમાં કહ્યું હતું કે આ અંગે વિચારણા કરવામાં આવશે, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને માત્ર એક સર્વે કરવામાં આવ્યો હતો. આમ છતાં, જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉપયોગ INDI એલાયન્સના નેતાઓએ પોતાના ફાયદા માટે કર્યો છે. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોએ જાતિઓની ગણતરી કરી છે, પરંતુ તે કેન્દ્રીય યાદીનો મામલો છે. ઘણા રાજ્યોએ આ કામ સારી રીતે કર્યું છે, પરંતુ ઘણા પ્રાંતોમાં આ કામ અપ્રમાણિક રીતે કરવામાં આવ્યું છે.
કોંગ્રેસનો જાતિગત વસ્તી ગણતરીનો વિચાર ‘અર્બન નક્સલી વિચારસરણી’થી પ્રેરિત - PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 એપ્રિલ 2024એ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ પાર્ટીના લોકસભા 2024માં ઢંઢેરા (ચૂંટણી ઘોષણાપત્ર) ની આકરી ટીકા કરી હતી. તેમને કહ્યું હતું કે સામાજિક-આર્થિક સર્વેક્ષણ માટે પાર્ટીનો પ્રસ્તાવ ખાનગી મિલકતના અધિકારને જોખમમાં મૂકે છે અને માઓવાદી વિચારધારાની ગંધ આવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ વર્તમાન ચૂંટણીઓમાં સત્તામાં આવશે, તો તે નાણાંનું પુનઃવિતરણ કરવા માટે એક સર્વે કરશે.
વડાપ્રધાનની આ ટિપ્પણી પહેલાં કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ દેશમાં દલિતો, આદિવાસી, ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની ઓળખ કરવા માટે જાતિ વસ્તી ગણતરી કરાવવાનું વચન આપ્યું હતું. તેમના મતે, જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે, તો તે વિવિધ ક્ષેત્રોમાં આ સમુદાયોની ભાગીદારીનો પણ અભ્યાસ કરશે. PM મોદીએ આવા સર્વેક્ષણોને લોકોના ખાનગી જીવનમાં ઘુસણખોરી ગણાવી હતી.
PM મોદીએ કહ્યું હતું કે આ સંપૂર્ણપણે 'અર્બન નક્સલ' વિચારસરણી છે. 'અર્બન નક્સલ' શબ્દનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેઓ શહેરોમાં રહે છે અને કથિત રીતે માઓવાદી વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. મોદીએ કોંગ્રેસ સરકારના શાસનની પણ ટીકા કરી હતી. તેમણે દાયકાઓ સુધી સત્તામાં રહ્યા પછી પણ જાતિગત જનગણના (જાતી આધારિત વસ્તી ગણતરી) પગલાંની જરૂરિયાત અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, 'જેઓ પોતાને રાજકીય નિષ્ણાતો માને છે તેમણે આવા લોકોને પૂછવું જોઈએ કે જો તમારા મતે આવી પરિસ્થિતિ ખરેખર અસ્તિત્વમાં છે, તો પછી તમે તમારા 50-60 વર્ષના શાસન દરમિયાન આવી પરિસ્થિતિ કેમ ઊભી થવા દીધી?'
PM મોદીએ કહ્યું હતું કે, 'આવી સ્થિતિમાં મારી જવાબદારી બને છે કે હું દેશને જાગૃત કરું કે કોંગ્રેસ તમને લૂંટવાની તૈયારી કરી રહ્યું છે.' બીજો ભાગ મનમોહન સિંહનો છે, જેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર કોનો છે. આ લોકોએ પોતાના ઇરાદા સ્પષ્ટપણે વ્યક્ત કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 'મુસ્લિમ લીગ'નો પ્રભાવ દેખાય છે.”