
અમેરિકાએ 25 વર્ષ પહેલાં જે બીમારીને ખતમ કરવાની જાહેરાત કરી હતી, તે બીમારી ટેક્સાસમાં અનેક વ્યક્તિઓમાં ફેલાતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ પશ્ચિમ ટેક્સાસમાં દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થતાં આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. પીડિત દર્દીઓના રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકન આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું છે અને તેણે તાત્કાલીક રોગચાળાનું નિવારણ કરવા માટે પગલાં ભરવાનું શરુ કરી દીધા છે.
700થી વધુ લોકો ઓરીના સકંજામાં, અન્ય રાજ્યોમાં પણ ફેલાવવાનું શરુ
વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ‘ટેક્સાસમાં ઓરી નામનો રોગચાળો ફેલાયો છે. જાન્યુઆરીના અંત સુધીમાં ટેક્સાસમાં 700થી વધુ લોકો ઓરીનો શિકાર થયા છે, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ રોગચાળો અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે.
અમેરિકામાં એક વર્ષથી વધુ સમય રોગચાળો રહેશે : નિષ્ણાતો
અમેરિકાના એક દાયકામાં પ્રથમવાર આટલા બધા ઓરીના દર્દીઓ નોંધાયા છે. કેટલાક જાહેર આરોગ્ય નિષ્ણાતો અને મહામારી વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ રોગચાળો અમેરિકાને એક વર્ષથી વધુ સમય માટે મુશ્કેલીમાં મૂકી શકે છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ, વર્ષ 2000માં અમેરિકાએ વ્યાપક રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન મોટાભાગના બાળકોને ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા અથવા એમએમઆર રસી આપવામાં આવી હતી.
25 એપ્રિલ બાદ વધુ 17 કેસ નોંધાયા
ટેક્સાસના આરોગ્ય વિભાગે કહ્યું કે, રાજ્યમાં ઓરીના કેસો મંગળવારે વધીને 663 પર પહોંચી ગયા છે. 25 એપ્રિલ બાદ વધુ 17 કેસો નોંધાયા છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ હેલ્થ સર્વિસિઝે કહ્યું કે, ‘ઓરીના રોગચાળાનું કેન્દ્ર ગેન્સ કાઉન્ટમાં કુલ 396 કેસ નોંધાયા છે. અન્ય રાજ્યોમાં પણ ઓરીના કેસ ફેલાઈ રહ્યા છે, જેમાં ઇન્ડિયાના, કેન્સાસ, મિશિગન, મોન્ટાના, ઓહિયો, પેન્સિલવેનિયા અને ટેનેસી સામેલ છે. આ રાજ્યોમાં ત્રણ અથવા વધુ કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હેલ્થ વિભાગે ઓરીના કેસ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારીના પગલાં શરુ કરી દીધા છે.