
અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ સાથે સંકળાયેલી એનએચએલ મેડિકલ કોલેજમાં હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ અંદાજે સાત વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો. ત્યારથી સફાઈકામદાર તરીકે નિયમિત નોકરી કરતાં 22 કર્મચારીઓએ કામ કરવાનું લગભગ બંધ જ કરી દીઘું છે. કામ કર્યા વિના મહિને અંદાજે 50,000ની આસપાસનો કર્મચારી દીઠ પગાર લઈને સંસ્થા પર બોજ વધારી રહ્યા છે. આમ 22 કર્મચારી મળીને મહિને અંદાજે 11 લાખ રૂપિયાની આસપાસનો અને વર્ષે દહાડે એનએચએલ કોલેજની તિજોરી પર 1.32 કરોડ રૂપિયાનો બોજ વધારે છે. છેલ્લા સાતેક વર્ષથી આ બોજ વેંઢારવામાં આવી રહ્યો છે.
કર્મચારીઓએ કામ બંધ કરી માત્ર પગાર લેવાનું ચાલુ કર્યું
દરેક કર્મચારી માટે બાયોમેટ્રિક હાજરી પૂરવી ફરજિયાત હોવા છતાંય આ સફાઈ કામદારો ગમે ત્યારે આવીને રજિસ્ટરમાં સહી કરીને આમતેમ રખડી ખાય છે. ડિપાર્ટમેન્ટના વડા પણ તેમને કોઈ કામ સોંપી શકતા નથી, કારણ કે તેઓ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદની ધમકી આપીને ડરાવી રહ્યા છે. બીજીતરફ નોકર મંડળ પણ તેમના પક્ષે રહીને મોટા મોટા અધિકારીઓ સામે બાંયો ચઢાવતુ હોવાથી મોટા અધિકારીઓ સફાઈ કામદારોની દરેક હરકત સામે આંખ આડા કાન કરી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટના વડા કે પછી કોઈ ઉપરી અધિકારી તેમને ખખડાવે તો નોકર મંડળના કલ્પેશ મકવાણા તરત જ તેમનું ઉપરાણું લઈને અધિકારી સાથે બાખડવા પહોંચી જાય છે. તેથી સફાઈ કામદાર પણ નોકર મંડળના હોદ્દેદારોને ખુશ રાખીને તેમનો પગાર લેવાનું ચાલુ રાખવાનું પસંદ કરી રહ્યા છે. પરિણામે આઉટ સોર્સિંગથી કામ કરતાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મૂંગે મોઢે બધી જવાબદારી અદા કરી રહ્યા છે. તેની સામે કાયમી થઈ ગયેલા સફાઈ કામદાર કામ જ કરતાં નથી.
મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ આ સંદર્ભમાં એક ફરિયાદ આપવામાં આવી છે. એનાટોમી, ફિઝિયોલોજી, ફોરેન્સિક સહિતના 15થી 20 ડિપાર્ટમેન્ટને માટે સફાઈ કામદારો લાયેબિલિટી અને માથાનો દુઃખાવો બની ગયા છે. ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટના એક સફાઈ કામદાર તો છેલ્લા 7 વર્ષથી માત્ર હાજરી પૂરીને બહાર ચાલ્યા જાય છે. એનએચએલ કોલેજના સી.સી.ટી.વી. ફૂટેની ચકાસણી કરીને આ હકીકતને જોઈ શકાય છે. તમામ 22 સફાઈ કામદારના સી.સી.ટી.વી. ફૂટેજ અને બાયોમેટ્રિક હાજરીને ચકાસણી કરવાથી આ કૌભાંડ બહાર આવી શકે છે. હોસ્પિટલના સંખ્યાબંધ અધિકારીઓ પણ તેમની દાદાગીરીથી ત્રાસી ગયા છે તેથી તેમનાથી છૂટકારો મેળવવા માગી રહ્યા છે.